આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની પંજાબમાં ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે તેમને આપવામાં આવેલી ઝેડ શ્રેણીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે પાર્ટીમાં આંતરિક મતભેદો વધી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હવે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર આગળ આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં સ્થાયી કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવે ત્યાં સુધી દિલ્હી પોલીસને તેમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફાર રાજકીય તેમજ સુરક્ષા બંને દૃષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાક્રમની પાછળનો રાજકીય પરિપ્રેક્ષ્ય પણ નોંધપાત્ર છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદેથી દૂર કર્યા હતા. આ નિર્ણય બાદ ચઢ્ઢાએ જાહેરમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તેમને હરાવવાનો નહીં પરંતુ ચૂપ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ નિવેદન પાર્ટીના આંતરિક મતભેદોને વધુ સ્પષ્ટ બનાવે છે.
પાર્ટીના કેટલાક નેતાઓએ ચઢ્ઢા પર આક્ષેપ કર્યો છે કે, તેઓ સંસદમાં પંજાબના મુદ્દાઓને ઉઠાવી શક્યા નથી. બીજી તરફ ચઢ્ઢાએ આ તમામ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે, તેઓ લોકહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિનજરૂરી રાજકીય નાટકમાં વિશ્વાસ રાખતા નથી. સોશિયલ મીડિયા પર પણ ચઢ્ઢાની સક્રિયતા ચર્ચાનો વિષય બની છે. તેમણે તાજેતરમાં કેટલીક એવી પોસ્ટ્‌સ અને ટિપ્પણીઓ શેર કરી છે, જેને રાજકીય સંદેશ તરીકે જાવામાં આવી રહી છે.