સામાન્ય રીતે લોકો પોતાના વતન અને ગામડાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે. પણ જ્યારે લૂંટારુઓની નજર એકલા રહેતા વૃદ્ધો પર પડે છે, ત્યારે કેવી કરુણાંતિકા સર્જાય છે, તેનો જીવતો જાગતો કિસ્સો જામકંડોરણામાંથી સામે આવ્યો છે. અહીં એક ૬૫ વર્ષના વૃદ્ધાની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરી દેવામાં આવી.
આ ઘટના છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામની. અહીં ૬૫ વર્ષીય લીલાબેન જમનભાઈ અજુડિયા પોતાના મકાનમાં એકલા રહેતા હતા. તેમના બંને દીકરાઓ રાજકોટ ખાતે રહે છે અને નોકરી-ધંધો કરે છે. ૧૩ એપ્રિલની રાત્રે દીકરા અમિતભાઈએ માતાને ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. અમિતભાઈને એમ કે કદાચ ફોન બંધ થઈ ગયો હશે, પણ તેમને ક્યા ખબર હતી કે તેમની માતા હવે આ દુનિયામાં રહ્યા નથી.
બીજા દિવસે સવારે એટલે કે ૧૪મી એપ્રિલે અમિતભાઈ રાજકોટથી બસમાં બેસીને વૈભવનગર પોતાની માતાને મળવા પહોંચ્યા. ઘરે જઈને જાયું તો ડેલો અંદરથી બંધ હતો અને કોઈ જવાબ મળતો ન હતો. પાડોશીની દીવાલ ટપીને અંદર જતા ઓસરીના બારણાને બહારથી તાળું મારેલું હતું. દીકરાએ પોતાની પાસે રહેલી ચાવીથી તાળું ખોલીને રૂમમાં પ્રવેશ કર્યો અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ! રૂમમાં તેની માતા લીલાબેન જમીન પર મૃત હાલતમાં પડ્યા હતા અને તેમના ગળામાં સાડી વડે ફાંસો આપેલો હતો.
અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લીલાબેનની સાડીનો એક છેડો બારીની ગ્રીલ સાથે બાંધી અને બીજા છેડો ગળામાં બાંધીને હત્યા નીપજાવી હતી. બાજુના રૂમમાં જઈને જાતા લોખંડનો કબાટ તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે હત્યારાઓ ઘરમાંથી પાકીટ અને ટીનની પેટીમાં રાખેલા ૫૭૦૦ રૂપિયા રોકડા અને વૃદ્ધાએ પહેરેલી એક સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગયા છે.
જામકંડોરણા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી. પોલીસે મૃતકના પુત્ર અમિતભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. બનાવની ગંભીરતાને જાતા જેતપુર ડિવિઝનના ડીવાયએસપી રોહિત ડોડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.