અમદાવાદના સરખેજ વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. તોડજાડ અને દબાણની રાજનીતિ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો ગાયબ થવાના બનાવે ચર્ચા જગાવી છે. ખાસ કરીને કોંગ્રેસ ઉમેદવાર કંચન પ્રજાપતિ બે દિવસથી ઘરેથી ગાયબ હોવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે અને પરિવારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.
કંચનબેન પ્રજાપતિના પતિ કરસન પ્રજાપતિએ જણાવ્યું છે કે છેલ્લા બે દિવસથી તેમની પત્ની ઘરે પરત આવ્યા નથી અને તેમના સાથે કોઈ સંપર્ક પણ થયો નથી. કંચનબેનને ક્યા લઈ જવાયા છે તેની જાણકારી પણ પરિવારજનોને નથી. તેમણે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કેટલાક ભાજપના નેતાઓ તેમના ઘરે આવી પૂછપરછ કરી રહ્યા છે. જા કે, નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે કંચનબેન આવતીકાલે પરત આવી જશે.
” ૨ દિવસથી તેઓ સંપર્ક વિહોણા થયા છે. તેમને ક્યા બહારગામ લઈ જવામાં આવ્યા છે અને કેમ તે વિશે મને કોઈ જાણ નથી. તેઓ પાછા આવે તો મને પણ ખબર પડે કે તેઓ ક્્યાં ગયા છે. ઘરે કોઈપણ પ્રકારની માહિત આપ્યા વિના કે જાણ કર્યા વિના તેઓ ચાલ્યા ગયા છે. ”
આ સમગ્ર મામલામાં કરસનભાઈએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે તેઓ પોતે ભાજપના સમર્થક છે. તેમના આ નિવેદનથી મામલો વધુ રસપ્રદ બન્યો છે અને રાજકીય ચર્ચાઓને વેગ મળ્યો છે. ચૂંટણીના આ તબક્કે ઉમેદવારના ગાયબ થવા જેવી ઘટનાઓ તોડજાડની રાજનીતિ તરફ સંકેત કરે છે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
હાલમાં આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કંચનબેન કઈ પરિસ્થિતિમાં છે, તેમને ક્યા રાખવામાં આવ્યા છે અને તેઓ ક્યારે પરત આવશે તે અંગે સ્પષ્ટતા થવાની બાકી છે. આવતીકાલે તેઓ પરત ફરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા આવી ઘટનાઓ લોકશાહી પ્રક્રિયા પર અસર કરી શકે છે.








































