અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ૧૧ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જ્યારે આજે પણ જાફરાબાદ, અમરેલી, ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. તો બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજુ પણ વરસાદ ન આવતા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે.
અમરેલી જિલ્લામાં ગત તારીખ ૭થી આજ દિન સુધી ૧૧ દિવસથી દરરોજ વરસાદ પડે છે. વરસાદ પડતાં ધરતી પુત્રોએ છુટા છવાયા વિસ્તારમાં વાવણી કાર્ય પણ શરૂ કર્યું છે. તો હજુ કેટલાક કોરા ધાકોડ વિસ્તાર વરસાદની રાહ જોઈ બેઠા હોવાથી વાવણી કાર્ય શરૂ થઇ શક્યું નથી.
આજે અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ધોધમાર વરસાદ પડતાં ટીંબી ગામની બજારોમાં પાણી ભરાયા હતા. સાથે આસપાસના ગામડા નાગેશ્રી, મીઠાપુર, દુધાળા સહિત ગ્રામ્ય વિસ્તાર અને નેશનલ હાઇવે ઉપર ધોધમાર વરસાદ પડ્‌યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.
૪ દિવસથી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
આજરોજ અમરેલી શહેરમાં મેઘરાજાએ હેત વરસાવતાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પાણી -પાણી થઇ ગયા હતાં.તો બગસરા, બાબરા, વડિયા સહિતના તાલુકાઓમાં મેઘરાજા માત્ર હાજરી પુરાવતા હોવાથી રસ્તાઓ માત્ર ભીના થયા હતાં. આમ અમરેલી જિલ્લામાં અમુક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે તો અમુક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદની રાહ જાવામાં આવી રહી છે.