આટલું ડાયરીમાં વાંચ્યું છતાં પણ વધુ વાંચવા માટે જ્યોતિનું મન લલચાયું. એ સાથે તેણું પાનું ફેરવ્યું. તેની નજર વળી વાંચવા લાગી: કેળવણી કહે છે, હું વિજ્ઞાનની સખી નથી, કોઇ કલાની નોકરડી નથી, કોઇપણ સત્તાની દોસ્ત નથી, વળી કોઇ શા†ની ગુલામડી પણ નથી હું તો મનુષ્ય માત્રના હૃદય, બુધ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામિની છું.
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે – જાન ફલેયર.
બસ જાન ફલેયરનું આ વાક્ય વાંચતાંની સાથે જ જ્યોતિ ઝબકી ગઇ. ઝડપથી તેણે ડાયરી બંધ કરીને ઊભી થઇ પછી ચાલીને ડાયરી જ્યાં પડી હતી ત્યાં ટેબલ પર મૂકી દીધી. ફરી પાછી ચાલીને પલંગમાં આડી પડી.
કંઇવાર સુધી તે પલંગમાં એમ જ ચત્તીપાટ અવસ્થામાં લાંબી થઇ પડી રહી. તેના દિલામાં ક્યા પ્રકારના સંવેદનો સળગ્યા હશે તે તો ભગવાન જાણે !
પરંતુ બંધ આંખે તેણે એક ઊંડો શ્વાસ ભર્યો ને ઉચ્છવાસ સાથે તેના મોઢામાંથી સાવ ધીમા શબ્દો નીકળ્યા: દામજી દવે…!
એક વાત ચોક્કસ અને સત્ય હતી કે, આવડી નાની ઉંમરમાં જ્યોતિ શિક્ષિકા તરીકે નોકરી કરવા આવનાર આ ગામમાં પ્રથમ હતી. હા, તે ઓછું બોલતી અને જરૂર પ્રમાણે જ બોલતી. એ બોલે સ્પષ્ટ અને સત્ય જ બોલતી એટલે તો સામાવાળાને આકર્ષણ થયા વગર ન રહે. તેના ગળામાંથી નીકળતા તરડાતા શબ્દોમાં કંઇક અજબ પ્રકારનો તાલ અને લાગણીભર્યો ભાવ પાણીની જેમ વહેવા લાગતો.
દેખાવે તે ખુબ જ નમણી અને ગોરી હતી. માંડ વીસ વર્ષની ઉંમરે આ એકલપંડે શિક્ષિકા તરીકે નોકરી તેણે સ્વીકાર કેમ હશે ? બધાના મનમાં આ પ્રશ્ન ઉદ્‌ભવે. થોડી વગ અને થોડા રૂપિયા વાપરવાથી નાના શહેરમાં નોકરી મળી જાય એ તો બધા જાણે અને સમજે પણ ખરા તો પછી આ સાવ નાના ગામડામાં તે શું કામ આવી ?
જે હોય તે…, આવા પ્રશ્નોના ઉત્તર તો જ્યોતિને જ આપવા ઘટે કદાચ કંઇક એવી મજબૂરી પણ હોઈ શકે. આમેય માનવમાત્ર જન્મ ધારણ કરે ત્યારથી મજબૂરી નામનો શબ્દ અંત સમય સુધી પીછો છોડતો નથી.
લગભગ કલાક જેટલો સમય જ્યોતિ એમ જ પલંગ પર પડી પડી વિચારતી રહી. તેના બન્ને હાથના પંજા તેની ભરાવદાર છાતી પર અનાયાસે રાખ્યા હતા. તે તો કોઇ ગહન વિચારમાં વિચરતી હતી. અચાનક બાના શબ્દો તેના કાનમાં અથડાયા:“બેટા જ્યોતિ…, જ્યોતિ….”
ઝબકી જઇને પલંગ પરથી ઊભી થતાં જ્યોતિ બોલી: “હા…બા!”
“બેટા, તું તારે આરામ કર હું તને પૂછવા આવી કે રાતના તને દૂધ ફાવશે કે પછી છાસ…” બાએ પૂછયું.
“ગમે તે ચાલશે, બા…” જ્યોતિએ શ્વાસ લેતા જવાબ આપ્યો.
“ના એમ નહીં બેટા, તારે જે ટેવ હોય તે કહે…શરમાતી નહીં.”
“દૂધ લઇશ બસ…”
“સારૂં…, દામો હવે થોડીવારમાં જ આવવો જાઇએ એ આવે પછી તરત જ જમવા બેસીશું…” બા આટલું બોલી તરત જ રૂમમાંથી બહાર ચાલ્યાં ગયાં.
પોતાના મગજમાં આવતા સારા – નરસા વિચારો બાના આગમનથી છુમંતર થઇ ગયા હતા. એટલે તે ઊભી થઇ રૂમમાંથી બહાર નીકળી. આ છેડેથી સામા છેડા સુધી પથરાયેલી લાંબી ઓસરી પર તેણે નજર નાખી ત્યારે બા… તો ઓસરીની કોરે પગ લટકાવી શાંતિથી બેઠા હતા. એટલે તો થોડું ચાલીને જ્યોતિ બા પાસે આવી ને ત્યાં જ બેસી ગઇ.
જ્યોતિ પણ બાની પાસે ઓસરીની કોરે હજી બેઠી ત્યાં જ ડેલીનો દરવાજા ધીમેથી ખૂલ્યો.ને આ ડેલીનો દરવાજા ખૂલવાની સાથે જ બા બોલ્યાં: “જો, આ દામો તો આવ્યો…”
ત્યારે ડેલીમાં પ્રવેશતા દામા પર જ્યોતિની નજર અનિમેષ પણે મંડાઇ રહી.
રસોઇ તો તૈયાર થયેલી પડી હતી એટલે દામજી થોડો નજીક આવતા બાએ કહ્યું ઃ “ તું હાથ – પગ મોં ધોઇ લે, પછી જમવા બેસીએ….”
એમ જ થયું. ફળિયામાં પણ બાથરૂમ અને ટોયલેટ તો હતા જ. દામો તો સીધો જ બાથરૂમમાં દાખલ થયો. સમજુબા ઓસરીની કોરેથી ઊભા થતાં થતાં જ્યોતિ સામે જાઇ બોલ્યા: “આપણે રસોડામાં જઇએ…, થાળી તૈયાર કરીએ એટલીવારમાં તો દામો આવી જશે…”
બાની સાથે જ જ્યોતિ પણ ઊભી થઇ. બેઉં રસોડા તરફ ચાલ્યાં. થાળી તૈયાર થઇ ત્યાં તો દામો રસોડામાં દાખલ થયો. આસન પર સૌ ગોઠવાયાં ને પછી જમવાનું શરૂ થયું.
ખાતાં ખાતાં બાએ થોડી જુનવાણી વાતો કરી અને ન સાંભળેલી વાતો સાંભળવી જ્યોતિને ખૂબ ખૂબ ગમી. પરંતુ દામજી તો કંઇ કશું વચ્ચે બોલ્યો નહીં એટલે તો બાએ જ વાતવાતમાં કહ્યું: “આ મારો દીકરો ખૂબ જ શરમાળ છે.
આભાર – નિહારીકા રવિયા બાયુ માણસની હાજરી હોય, એમાં પણ કોઇ અજાણ્યા મહેમાન આવે એટલે તેની જીભ પર મણમણના તાળા લાગી જાય…જ્યોતિ ! ”
“ એવું નથી બા…! જમતાં જમતાં ઓછું બોલીએ તો સારૂં ! પ્રાચીન મૂનિઓ એને વર્તમાન યુગના વૈજ્ઞાનિકોએ પણ આ વાત કરી છે…”દામજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
“તારૂં વિજ્ઞાન જે કહે તે, પરંતુ મને તો મૂંગા મોંએ ખાવાનું ન જ પચે, સમજ્યો…” બા આવું બોલ્યા એટલે જ્યોતિ જે અત્યાર સુધી કશું જ બોલતી નહોતી એ પ્રથમવાર બોલી: “બાની વાત મને સો ટકા સાચી લાગી. મૂંગા મોએ…થોડું ઓછું ખવાય એમ હું પણ માનું છું.”
“સારૂં….બા, તમે બન્ને સાચાં …બસ!” દામજી વળી આગળ બોલ્યો: “ જ્યોતિબેન, હવે તમે શું નક્કી કર્યું ?”
“શેનું ?” જ્યોતિને આ વાતની સમજ ન પડતાં તરત જ પૂછયું.
“અરે…, મકાનનું…”
“અરે હા, એ તો સાવ જ ભુલાઈ ગયું. મેં વિચાર્યું, ઘણું ઘણું વિચાર્યું આ તમારા મકાનમાં…લાગે છે કે, મને ફાવી જશે અરે આમ તો ફાવી જ ગયું છે પરંતુ…”
“ પરંતુ…શું ?”
“ એક વાત છે, ચોખવટ કરવી સારી. તમને મા – દીકરાને આ મકાનમાં હું રહું તો કંઇ વાંધો નથીને ?”(ક્રમશઃ)