કોંગ્રેસ દેવાળું ફૂંકવાના આરે છે ?
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને ઈન્કમટેક્સ, દંડ અને વ્યાજ પેટે ૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલી માટે નવી ડિમાન્ડ નોટિસ ફટકારી એ સાથે જ આ સવાલ ફરી ઉઠ્‌યો છે. ઈન્કમટેક્સ વિભાગની આ ડિમાન્ડ નોટિસ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ સુધીનાં ચાર નાણાંકીય વર્ષની કર આકારણી માટે છે. આ સિવાય ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ સુધીનાં નાણાંકીય વરસની આકારણીનો મુદ્દો તો ઉભો જ છે એ જોતાં કોંગ્રેસે ૨૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ રકમ ભરવી પડે એવું લાગે છે.
કોંગ્રેસે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા ટેક્સ એસેસમેન્ટ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ હોઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. કોંગ્રેસ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની દલીલોને સ્વીકારશે કે નહીં એ ખબર નથી પણ આ નોટિસના કારણે કોંગ્રેસની આર્થિક સ્થિતિનો મુદ્દો જોરશોરથી ચર્ચામાં આવી ગયો છે.
કોંગ્રેસે આ નોટિસ રાજકીય કિન્નખોરીને કારણે અપાઈ હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે વિક્ટિમ કાર્ડ ખેલીને દાવો કર્યો છે કે, ૨૦૧૭-૧૮માં અમારા ૨૩ સાંસદો અને ધારાસભ્યોએ આપેલા ૧૪ લાખ રૂપિયાના દાનમાં સરનામાની વિગતો નહોતી છતાં ઈન્કમટેક્સ વિભાગે ૧૩૫ કરોડ રૂપિયા કોંગ્રેસના બેંક ખાતામાંથી પડાવી લીધા હતા. તેની સામે ભાજપને ૨૦૧૭-૧૮માં લગભગ ૪૨ કરોડ રૂપિયાનું દાન આપનારા ૧૪૦૦થી વધારે લોકોના માત્ર નામ જ આપેલાં પણ બીજી કોઈ વિગતો નહોતી આપી. કાયદા પ્રમાણે, દાન આપનારના નામ અને સરનામા બંને આપવાના હોય છે. ભાજપે આ વિગતો છૂપાવીને ઘાલમેલ કરેલી છતાં ઈન્કમટેક્સ વિભાગે કશું ના કર્યું જ્યારે કોંગ્રેસે તમામ વિગતો આપી હોવા છતાં નોટિસ અપાઈ રહી છે.
કોંગ્રેસ જે મુદ્દા ઉઠાવી રહી છે એ અલગ છે. મહત્વની વાત, કોંગ્રેસની તરફેણમાં ચુકાદો ના આવે તો શું થાય તેનો છે. કોંગ્રેસ પાસે અત્યારે ૧૪૩૦ કરોડની નેટવર્થ છે એ જોતાં કોંગ્રેસે બીજા ૪૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા પડે.
કોંગ્રેસ પોતાની પાસે ચૂંટણી લડવાનાં નાણાં નથી એવો દાવો કરે છે ત્યારે આ રકમ ક્યાંથી લાવે એ મોટો મુદ્દો છે.

કોંગ્રેસ વરસોથી પૈસા નહીં હોવાના રોદણાં રડે છે.
કોંગ્રેસે ૨૦૧૪માં સત્તા ગુમાવી ત્યારથી તેની પાસે રાજકારણમાં ટકવા પૈસા નથી ને એ ધીરે ધીરે સાવ લુખ્ખી થઈ રહી છે એવી વાતો શરૂ થઈ ગયેલી પણ કોંગ્રેસમાંથી કોઈ ફોડ પાડીને વાત નહોતું કરતું. દેશમાં આટલાં વરસ લગી રાજ કર્યા પછી પૈસા સાવ ખૂટી ગયા છે એવું કબૂલવાથી આબરૂ જશે એવો ડર હશે કે ગમે તે કારણ હોય પણ કોંગ્રેસીઓ આ મુદ્દે બોલતાં ડરતા હતા.
૨૦૧૮માં એક અખબારમાં રિપોર્ટ છપાયો કે, ભાજપ પાસે રૂપિયાની રેલમછેલ છે ને કોંગ્રેસ દેવાળું ફૂંકવાના આરે છે. રિપોર્ટમાં અપાયેલા આંકડા પ્રમાણે કોંગ્રેસને ૨૨૫ કરોડ રૂપિયાની આવક થયેલી ને સામે ભાજપને તેના કરતાં ચાર ગણી એટલે કે ૧૦૩૪ કરોડ રૂપિયાની મબલક કમાણી થયેલી.
આ અહેવાલના પગલે કોંગ્રેસમાં ખરાબ આર્થિક હાલત વિશે ગણગણાટ શરૂ થઈ ગયેલો પણ કોંગ્રેસના નેતાઓ આ વિશે જાહેરમાં બોલતાં શરમાતા હતા. શશિ થરૂરે એ શરમ તોડીને ટિ્‌વટ કરી કે, કોંગ્રેસે પોતાની પાસે નાણાં નથી એવું કબૂલવામાં શરમ અનુભવવાની જરૂર નથી. આ શરમમાં ને શરમમાં આપણે રહી જઈશું. શશિ થરૂરે અખબારના રિપોર્ટની લિંક મૂકીને શિખામણ આપેલી કે, ભાજપના નોટોના થેલાઓનો સામનો કરવા માટે લોકોને મદદ કરવાની અપીલ કરવી જોઈએ.
શશિ થરૂરની આ શિખામણની અસર થઈ. કોંગ્રેસે બે જ દિવસમાં પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર પોસ્ટ મૂકીને લોકો પાસે આર્થિક મદદ માટે હાથ લંબાવીને પોતાને દાન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસે આ પોસ્ટમાં લખ્યું હતું કે, કોંગ્રેસને તમારા સહકાર અને મદદની જરૂર છે. ભારત છેલ્લાં ૭૦ વર્ષથી ગર્વભેર લોકશાહીનું જતન કરી રહ્યું છે. એ લોકશાહીની પુનઃસ્થાપના માટે થોડીક આર્થિક મદદનું યોગદાન આપીને અમને મદદ કરો.
કોંગ્રેસે આ પોસ્ટ સાથે એક લિંક પણ આપી હતી. આ લિંક પર ક્લિક કરવાથી એક ફોર્મ ખૂલતું હતું. કોંગ્રેસને મદદ કરવા ઈચ્છનારા લોકો આ ફોર્મમાં પોતાની વિગતો ભરીને આર્થિક મદદ કરી શકતા હતા.
આ અપીલના જવાબમાં કેટલું દાન આવ્યું એ ખબર નથી પણ છ વર્ષ પછી પણ કોંગ્રેસ એ જ રોદણાં રડે છે. થોડા દિવસ પહેલાં જ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને આ જ રોદણાં રડેલાં.

કોંગ્રેસ પાસે નાણાં નથી એ વાત ગળે ઉતરે એવી છે ?
બિલકુલ નહીં.
કોંગ્રેસે દેશમાં દાયકા સુધી શાસન કર્યું છે. ભાજપ તો ૨૦૧૪માં સત્તામાં આવ્યો પણ એ પહેલાં લગી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી એક દાયકા લગી દેશ પર રાજ કર્યું. કોંગ્રેસ કેન્દ્રમાં દસ વરસ લગી સત્તા પર હતી એ દરમિયાન મોટા મોટા ઉદ્યોગપતિઓ ને બિઝનેસમેન તેમના પગોમાં આળોટતા હતા. એ લોકો પાસેથી કોંગ્રેસને મબલક નાણાં મળ્યાં જ છે.
નરેન્દ્ર મોદી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ફરી વળ્યા પછી કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્યો સરકવા માંડ્‌યા. અત્યારે કોંગ્રેસ તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ એ ત્રણ રાજ્યોમાં સમેટાઈને રહી ગઈ હોય પણ ૨૦૧૪ પહેલાં કોંગ્રેસ પાસે દેશના પંદરેક રાજ્યોમાં સત્તા હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે પણ કોંગ્રેસની ૧૩ રાજ્યોમાં સત્તા હતી આ પૈકી નાણાંની રેલમછેલ ધરાવતા ને કોર્પોરેટ સેક્ટરની બધી મોટી કંપનીઓના હેડક્વાર્ટર છે એવા મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ૧૫ વરસ સુધી રાજ કર્યું. મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને રીયલ એસ્ટેટ જેવા બીજા બે ધિંગા ને ધમધમતા ધંધા પણ છે. આ બધા પાસેથી કોંગ્રેસના નેતાઓએ આટલા વરસો લગી દાન ઉઘરાવ્યા જ હોય ને છતાં કોંગ્રેસ પોતાની પાસે નાણાં નથી એવું કહે ત્યારે આઘાત લાગે.
કોંગ્રેસે પોતાની પાસે નાણાં નથી એવા રોદણાં રડવા પડે કે લોકો પાસે નાણાં માગવા પડે એ તેના નેતાઓ માટે શરમજનક કહેવાય. કોંગ્રેસ ભાંગ્યું ભાંગ્યુ તોય ભરૂચ છે. કોંગ્રેસ પાસે દેશભરમાં કરોડો કાર્યકરો છે ને હજારોની સંખ્યામાં નેતાઓ છે. આ કાર્યકરો પૈકી મોટા ભાગના એવા છે કે જેમણે હજાર હજાર રૂપિયા કાઢવાના આવે તો કાંઈ અડે નહીં. કોંગ્રેસના આવા એક કરોડ કાર્યકરો સ્વૈચ્છિક રીતે એક-એક હજાર રૂપિયાનું યોગદાન આપે તો પણ કોંગ્રેસ પાસે ચપટી વગાડતામાં એક હજાર કરોડ રૂપિયાનું ભંડોળ થઈ જાય.
આ તો કાર્યકરોની જ વાત કરી, બાકી કોંગ્રેસ પાસે હજારોની સંખ્યામાં માલદાર નેતા છે. કોંગ્રેસમાં વંશવાદની બોલબાલા છે ને આ રોગ ઉપરથી નીચે લગી છે તેથી સેંકડો પરિવાર મળી આવશે કે જે છેલ્લા સિત્તેર વર્ષથી સત્તા ભોગવે છે, કોંગ્રેસના કારણે માલદાર થયા છે. આવા પાંચેક હજાર પરિવારો ને લોકો તો રમતાં રમતાં મળી આવે. આ પરિવારો સ્વૈચ્છિક રીતે એક-એક કરોડ રૂપિયા દાનમાં આપે તો પણ કોંગ્રેસને પાંચેક હજાર કરોડ રૂપિયા ઉભા થઈ જાય. કોંગ્રેસ પાસે ૧૦૦ નેતા તો એવા છે કે જે ૧૦૦ કરોડ રૂપિયા આપી શકે. આ ૧૦૦ નેતા પક્ષ માટે ભંડોળ આપવાની ઉદારતા બતાવે તો આ રૂપિયામાંથી કોંગ્રેસ માત્ર બાકી ઈન્કમટેક્સ જ ના ભરી શકે પણ લોકસભાની ચૂંટણી પણ લડી શકે.
સવાલ એ છે કે, કોંગ્રેસ આ રસ્તો કેમ નથી અપનાવતી ?
આ સવાલનો જવાબ કોંગ્રેસીઓની માનસિકતામાં છે. કોંગ્રેસીઓની માનસિકતા પક્ષ માટે ભોગ આપવાની નથી પણ ઘરભેગું કરવાની છે. કોઈ પણ ચૂંટણી હોય, કોંગ્રેસી ઉમેદવારો લડવા માટે મળેલાં નાણામાંથી મોટા ભાગના નાણાં ઘરભેગા કરી દે છે. આ રીતે પક્ષ પાસેથી લઈને ભેગું કરેલું છૂટતું નથી તેથી કોંગ્રેસે લોકો સામે હાથ લંબાવીને ભીખ માગવી પડી.
કોંગ્રેસના નામે કરોડોની કમાણી કરનારા નેતાઓ માટે આ વાત ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી કહેવાય પણ કોંગ્રેસના નેતાઓમાં એવી શરમ જ નથી તેથી આ સ્થિતિ છે.