Mumbai, July 03 (ANI): Maharashtra Deputy Chief Minister Ajit Pawar in a conversation with Nationalist Congress Party (NCP) leader Praful Patel during a press conference, at Sahyadri State Guest House, in Mumbai on Monday. NCP chief Sharad Pawar has expelled Praful Patel from his post as the Working President of the NCP. (ANI Photo)

લોકસભાની ચૂંટણીમાં મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું બે દિવસ પછી એટલે કે ૧૯ એપ્રિલે મતદાન છે. પહેલા તબક્કામાં લોકસભાની ૧૦૨ બેઠકો પર મતદાન થવાનું છે પણ ચૂંટણીનો માહોલ જોઈએ એવો જામતો નથી. તેનું કારણ એ છે કે, રાજકારણ સાવ નિમ્ન કક્ષાનું થઈ ગયું છે. લોકોની સમસ્યાઓના બદલે અંગત આક્ષેપો અને હાસ્યાસ્પદ વાતો વધારે મહત્વની બની ગઈ છે. એકબીજાને ઉતારી પાડવાની છિછરી માનસિકતાનું પ્રદર્શન કરવાની હોડ જામી છે. તેના કારણે ચૂંટણીની ગંભીરતા જ જતી રહી છે. આ ચૂંટણી દ્વારા દેશના હવે પછીના પાંચ વર્ષના શાસક ચૂંટવાના છે તેથી ગંભીર મુદ્દા ઉઠવા જોઈએ, લોકોની સમસ્યાઓનો હલ શું હશે તેની વાતો કરવાના બદલે બાલિશ અને હાસ્યાસ્પદ વાતો થઈ રહી છે.

ભાજપે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાહેર સભાઓમાં સતત ભ્રષ્ટાચારની વાત કરે છે અને હુંકાર કરે છે કે, કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. જેમણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ બધા જેલની હવા ખાતા થઈ જશે. ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી હવે અટકશે નહીં એવું પણ મોદી કહે છે. મોદીનો દાવો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપ સરકારની પ્રાથમિકતા ભ્રષ્ટાચારને ખતમ કરવાની રહી છે. કોઈ પણ સ્તરે થતો ભ્રષ્ટાચાર દેશના લોકોને અસર કરે છે એ જોતાં દેશના લોકોના કલ્યાણ માટેના પૈસાની ચોરી કરનારાં સામે કાર્યવાહી થવી જોઈએ.
મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો અમલ થતાં ૧૦ કરોડથી વધુ નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા છે અને સરકારે રૂપિયા ૨.૭૫ લાખ કરોડ બચાવ્યા છે એવો દાવો કરે છે. મોદી એવો દાવો પણ કરે છે કે, ૨૦૧૪ પહેલાં ઈડીએ રૂપિયા ૫,૦૦૦ કરોડ સંપત્તિ જપ્ત કરી હતી પણ છેલ્લા ૧૦ વર્ષમાં ઈડી દ્વારા જપ્ત કરાયેલી રકમ વધીને ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. એ જ રીતે ૨૦૧૪ પહેલાં ઈડીએ ૩૪ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી જ્યારે અમારી સરકારમાં ૨૨૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.
મોદી સવાલ કરે છે કે, આ પૈસા ગરીબ લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવ્યા હોત તો કરોડો લોકોને તેનો ફાયદો થયો હોત. યુવાનો માટે વ્યાપક તકો ઊભી કરી શકાઈ હોત અને સંખ્યાબંધ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા હોત.
મોદીની વાત સાચી છે.
ભ્રષ્ટાચારના કારણે આ દેશે બહુ નુકસાન વેઠ્‌યું છે અને પ્રજા વિકાસથી વંચિત રહી છે. પહેલાં સરકારી યોજનાઓનો લાભ વચેટિયા મારફતે લોકોને મળતો તેમાં મોટા ભાગના રૂપિયા ચવાઈ જતા હતા. કાગળ પર જ લાભાર્થીઓ બતાવીને બારોબાર રૂપિયા ઘરભેગા કરી દેવાતા હતા એ હકીકત છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના કારણે એ બધું બંધ થયું છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે તેમાં બેમત નથી.
મોદી સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે પીઠ થાબડવી જોઈએ પણ રાજકારણીઓના ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકારની પીઠ થાબડી શકાય તેમ નથી.

મોદી ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે એવો હુંકાર કરે છે પણ ક્યા ભ્રષ્ટાચારીઓને નહીં છોડવામાં આવે તેની સ્પષ્ટતા કરતા નથી.
કેન્દ્ર સરકારની એજન્સીઓની કામગીરીમાં આ સ્પષ્ટતા થઈ જ જાય છે. મોદી જ્યારે કહે છે કે, ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરાશે ત્યારે આ વાત વિપક્ષના નેતાઓને લાગુ પડે છે. જે લોકો ભાજપ સાથે છે તેમણે ચિંતા કરવાની જરૂર જ નથી કેમ કે મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ સીલેક્ટિવ છે.
અજીત પવાર તેનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે.
અજીત પવાર અત્યારે મહારાષ્ટ્રની ભાજપ અને શિવસેનાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે. ભાજપ સાથે હાથ મિલાવ્યા પહેલાં અજીત પવાર પોતાના કાકા શરદ પવારની એનસીપીમાં હતા ને ત્યારે અજીત પવાર ભાજપ માટે મહાભ્રષ્ટાચારી હતા. અજીત પવારે સિંચાઈ કૌભાંડમાં ૩૫ હજાર કરોડ રૂપિયા ચાઉં કરી લીધા હોવાનો આક્ષેપ ભાજપના નેતા કૂદી કૂદીને કરતા હતા. અજીત પવારનો ભ્રષ્ટાચાર પોતે બહાર પાડ્‌યો હોવાનો દાવો કરીને ભાજપના નેતા જશ ખાટતા હતા.
ફડણવિસ ૨૦૧૪માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા એ વખતે તેમણે આ કૌભાંડમાં ત્રણ હજાર કરતાં વધારે કેસ કરાવેલા. આ પૈકી નવ કેસોમાં અજીત પવાર સીધા દોષિત હોવાનો દાવો કરાયેલો. અજીત પવાર ૧૯૯૯થી ૨૦૦૯ દરમિયાન મહારાષ્ટ્રના સિંચાઈ પ્રધાન હતા એ વખતે આ કૌભાંડ થયાનો ભાજપનો દાવો છે. મીડિયાએ ૨૦૦૯માં આ કૌભાંડ બહાર પાડેલું. સિંચાઈ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ટી.એન. મુંડેએ એપ્રિલ ૨૦૦૮માં પરિપત્ર બહાર પાડેલો કે, સિંચાઈ વિભાગ જુદા જુદા કાચા માલ તથા ચીજો માટે અતિશય ઉંચા ભાવ ચૂકવતો હતો. રાજ્ય સરકારે નક્કી કરેલી કિંમત કરતાં અનેક ગણા વધારે ભાવ ચૂકવાયા હતા. અજીત પવારે મુંડેને સત્તાવાર કાગળ લખીને આ પરિપત્ર પાછો ખેંચવા ફરમાન કરેલું ને લુખ્ખી દાટી આપેલી કે, સિંચાઈ પ્રધાનની મંજૂરી વિના કોઈપણ પરિપત્ર બહાર પાડ્‌યો તો આવી બનશે.
મુંડેનો પરિપત્ર ગમે તે રીતે મીડિયા પાસે પહોંચી ગયો તેમાં ખબર પડી કે, એનસીપીના મળતિયા કોન્ટ્રાક્ટરોને અનેક ગણા ઉંચા ભાવે સિંચાઈના પ્રોજેક્ટ અપાયા છે. અવિનાશ ભોંસલે નામના એક કોન્ટ્રાક્ટરને આ રીતે કોના બાપની દિવાળી કરીને અપાયેલા ૧૩૮૫ કરોડના બે પ્રોજેક્ટની વિગતો તો પુરાવા સાથે બહાર પડાયેલી.
સિંચાઈના પ્રોજેક્ટ્‌સ પાઠળ ખર્ચાયેલી ૭૦ હજાર કરોડ રૂપિયાની રકમ પૈકી અડધા કરતાં વધારે રકમ રાજકારણીઓ પાસે ગઈ હોવાના આક્ષેપ પણ થયેલા. ભાજપના નેતા વિનોદ તાવડેએ આક્ષેપ કરેલો કે ૭૦ હજાર કરોડ રૂપિયામાંથી ૭ ટકા એટલે કે પાંચ હજાર કરોડ રૂપિયા ‘એમ’ નામના માણસને લાંચ પેટે અપાયેલા.
આ ‘એમ’ અજીત પવાર હોવાનો દાવો પણ તાવડેએ કરેલો.
આ કૌભાંડની વધારે વિગતોમાં આપણે પડતા નથી પણ વાત એ છે કે, અજીત પવાર ભાજપ માટે મહાભ્રષ્ટાચારી હતા પણ અત્યારે ભાજપ તેમની પાલખી ઉંચકીને ફરે છે. અજીત પવારના સાથી પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા ત્યારે સરકારી એરલાઈન્સના વિમાનો ભાડે આપવામાં ભારે ભ્રષ્ટાચાર કરેલો. પણ હમણા સીબીઆઈએ તેમને ક્લીન ચીટ આપી દીધી.
આ તો બે ઉદાહરણ આપ્યા પણ આવા તો અનેક ઉદાહરણ છે.
ભાજપ સરકાર અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ પ્રસાદ યાદવ સહિતના કોઈ પણ વિપક્ષી નેતા સામે તપાસ કરાવે, ભ્રષ્ટાચાર બદલ કેસ કરે કે જેલમાં પૂરે તેમાં કશું ખોટું નથી કેમ કે ભ્રષ્ટાચારીઓ સામે પગલા ભરવા જ તેમનું કામ છે. ઈડી તેમની સંપત્તિઓ ટાંચમાં લે તો પણ યોગ્ય છે કેમ કે ભ્રષ્ટાચાર બદલ શંકાના દાયરામાં આવી ગયેલા બધા સામે સખ્તી થવી જોઈએ.
સવાલ એ છે કે, આ જ ધારાધોરણ ભાજપના નેતાઓ કે તેમના સાથીઓને કેમ લાગુ પડતા નથી ? ભાજપ પોતે જેમને મહાભ્રષ્ટાચારી ગણાવતો હતો એવા અજીત પવાર, પ્રફુલ્લ પટેલ અને બીજા એવા સંખ્યાબંધ નેતાઓને કેમ કશું થતું નથી ?
આઘાત એ જોઈને લાગે કે, ભાજપને આ વાતની જરાય શરમ નથી. પોતાના પડખામાં ભરાઈ જતા ભ્રષ્ટાચારીઓને ભાજપ ખુલ્લેઆમ બચાવે છે, સત્તા આપે છે ને મોટા ભા કરીને રાખે છે.
વરસો પહેલાં કોંગ્રેસે આ જ કરેલું ને ભાજપ પણ એ જ રસ્તે છે.

આ ગંભીર સમસ્યા છે ને તેનું કારણ પ્રજા છે.
ભારતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સાવ નગણ્ય બનતો જાય છે. રાજકારણીઓ તો ભ્રષ્ટાચારી છે જ પણ પ્રજાને પણ ભ્રષ્ટાચારથી કોઈ ફરક પડતો નથી. ભારતમાં એક સમયે ભ્રષ્ટાચારના મુદ્દે સત્તાપલટા થયેલા છે. ગુજરાતે તો ચીમનભાઈ પટેલના ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન છેડીને દેશને રસ્તો બતાવેલો. નવનિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઈને જયપ્રકાશ નારાયણે ઈન્દિરા ગાંધીની સરકારને હચમચાવી દીધી હતી. બોફોર્સ કાંડમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે રાજીવ ગાંધીની કોંગ્રેસ હારી ગઈ હતી ને ટેલીકોમ કૌભાંડના ભ્રષ્ટાચારે કોંગ્રેસને હરાવી દીધી હતી.
કોંગ્રેસે ભ્રષ્ટાચારના કલ્ચરને પોષ્યું તેમાં દેશનો વિકાસ રૂંધાયો. હવે એ બધા ભ્રષ્ટાચારી ભાજપમાં ભેગા થતા જાય છે ત્યારે દેશનું શું થશે એ વિશે સૌથી પહેલાં તો ભાજપના કાર્યકરોએ વિચારવું જોઈએ ને પછી પ્રજાએ પણ વિચારવું જોઈએ.
કમનસીબે બંને ચૂપ છે.