અમરેલી લોકસભા કોંગ્રેસના શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરે પોતાની ઉમેદવારી રજૂ કરતા પહેલા પોતાના વતન વાવડી ખાતે કુળદેવીમાતાનાં આશીર્વાદ લીધા હતા અને બાદમાં કોંગ્રેસનો વિશાળ સ્‍નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં જેનીબેન ઠુંમરે જણાવ્‍યુ હતું કે આજે હું અમરેલી લોકસભા લડવા આવી છું ત્‍યારે મને ઘણી પીડા થાય છે. ગુજરાતના અન્‍ય જિલ્‍લાઓ સાથે અમરેલી જિલ્‍લાની ચર્ચાઓ થાય છે. ત્‍યારે અમરેલી પર પછાત જિલ્‍લાનું લેબલ લાગેલુ છે તે સાંભળીને ઘણું દુઃખ થાય છે. આપણે સૌએ સાથે મળી અને અમરેલી જિલ્‍લા પરથી આ પછાતપણાનું લેબલ દુર કરવાનું છે. આ તકે તેમણે જણાવ્‍યુ કે અમરેલી લોકસભામાં કોંગ્રેસ, ભાજપ કે જેનીબેન ઠુંમરની લડાઈ નથી. આ લોકશાહી બચાવવાની અને બંધારણનું રક્ષણ કરી અને ગરીબ માણસ, ખેડૂતને સુખાકારી અને યુવાનોને રોજગારી આપવાની લડાઈ છે. મતદારોને અપીલ છે કે આપણે સૌ સાથે મળી લોકશાહી બચાવીએ. આ તકે પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યુ કે આ અહંકારી સાશનને ગુજરાતમાં ૩૦ વર્ષ થયા છે અને કેન્‍દ્ર સરકારમાં ૧૦ વર્ષ થવા જઈ રહૃા છે. ત્‍યારે તેઓ બહેનો દીકરીઓને અપમાન જેવા વેણ બોલે છે માટે તેમને બતાવવાનો સમય હવે આવ્‍યો છે. આ માટે જેનીબેન ઠુંમરને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરૂ છું. આ તકે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યુ કે અમારો કોંગ્રેસનો એક-એક કાર્યકર લોકો સુધી પહોંચે અને ઈલેકટોરલ બોન્ડ, બેરોજગારી, ખેડૂતોને અન્‍યાય સહિતના મુદ્દે જાગૃત કરી અને ગુજરાતમાંથી આપણે વધુમાં વધુ સીટ લોકશાહી બચાવવા માટે ભેટમાં આપીએ. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે નારી શકિતને વંદન કરી અને સમગ્ર જિલ્‍લાની બહેનોને અપીલ કરી હતી કે આપણી દીકરી જેનીબેન ઠુંમર ચૂંટણી લડવા આવ્‍યા છે ત્‍યારે દીકરી ખાલી હાથે પીયરમાંથી જાય નહી તે જોવાની જવાબદારી આપણી છે. ત્‍યારે મામેરૂ કરવાનો સમય આવ્‍યો છે. લોકશાહીનો અવાજ બનાવી જેનીબેન ઠુંમરને દિલ્‍હી મોકલવાના છે. આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસીયાએ જણાવ્‍યુ કે ગરીબી હટાવવાની વાત કરતી આ સરકાર લોકોને પ કિલો અનાજ આપે છે. આજે ૭૦% લોકો ગરીબી રેખા નીચે આવે છે. આ તકે જેનીબેન ઠુંમર જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી સાથે ટ્રેકટર પર બેસી અને જિલ્‍લા કલેકટર કચેરીએ પહોચ્‍યા હતા અને ત્‍યાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જેનીબેન ઠુંમરની હાથ પર રોકડ રૂ.ર૦.૬૦ લાખ
અમરેલી લોકસભાની બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુંમરે સોંગદનામામાં ઉલ્લેખ કર્યા મુજબ હાથ પર રોકડ રૂ.ર૦.૬૦ લાખ છે, તેમના પતિની હાથ પર રોકડ  ૧૩.૭૬ લાખ છે. જેનીબેનની એલઆઈસી પોલીસી ૪.૮૦ લાખ છે. એક જયુપીટર ગાડી છે તેમજ પ૦૦ ગ્રામ સોનુ જેની કિંમત રૂ.૩પ લાખ છે. આમ તેનું રોકડ મૂલ્ય ૪૯,૧ર,૩૮૮ છે. જેનીબેન ઠુંમર સામે કોઈ ગુનો નોંધાયો નથી. જયારે શિક્ષણમાં જેનીબેન ઠુંમરે લંડનની મીડલસેક્સ યુનિ.માં એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.