રામાયણ એ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અનન્ય ગ્રંથ છે. ઋષિ વાલ્મીકિ રચિત રામાયણમાં ૨૪ હજાર શ્લોકો છે. ભગવાન રામચંદ્રના જીવન, કવન અને સમાજની સાંપ્રત વ્યવસ્થાને ફળીભૂત કરતો અદ્‌ભુત ગ્રંથ છે. પારિવારિક ભાવનાને સંપન્ન કરતો અતુલ્ય ગ્રંથ છે. દશરથ રાજાના આદર્શ પુત્ર ભગવાન રામચંદ્રનું જીવન સમાજ માટે દર્પણ સમાન છે. ભગવાન રામચંદ્રને ૧૪ વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આટલા શબ્દો જ્યારે દશરથ રાજાના હૃદય ઉપર પડ્‌યા ત્યારે આભ તૂટી પડ્‌યું. રઘુકુળ વ્યવસ્થા પ્રમાણે જયેષ્ઠ પુત્ર રાજગાદી ઉપર બેસે. મંથરા દ્વારા કૈકેયીની કાન ભંભેરણી થતા દશરથ રાજાને પોતાના વચનને સિદ્ધ કરવા માટે હૃદય ઉપર પથ્થર રાખીને રામને વનવાસ અને ભરતને રાજગાદી આટલું બોલતા જીવ હતપ્રત થઈ ગયો.
ભરત મોસાળ હતા જ્યારે આવ્યા ત્યારે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો તે સમયે પોતાની માતાનો ત્યાગ કરે છે અને કહે છે જ્યાં સુધી ભગવાન રામચંદ્ર અયોધ્યામાં રાજગાદી ઉપર નહીં આવે ત્યાં સુધી હું તારો ત્યાગ કરું છું. પોતાના મોટાભાઈ ભગવાન રામચંદ્રની પાદુકા મૂકીને રાજ વ્યવસ્થા ચલાવે છે. ભરત જેવા ભાઈ આજના સમાજમાં કેટલા ? ભગવાન રામચંદ્રની વાતો કરનારા અને માત્ર દેખાવથી વાહ વાહ કરનારા રામભક્ત હોઈ શકે ? મોટાભાગે સમાજમાં મોટા ભાઈને મોટાભાગનો ત્યાગ કરવાનો આવતો હોય છે. પોતે ઘસાય અને નાના ભાઈને તમામ વ્યવસ્થા આપે, ત્યાગ કરી દે. ભાઈ ભાઈ વચ્ચે સમભાવ કેળવવા માટે રામાયણ આદર્શ ગ્રંથ છે.
આજના ભૌતિકવાદમાં મારું મારું આગવું અને તારામાં મારો ભાગ, આવી વ્યવસ્થા એટલા માટે ઊભી થઈ કે પરિવારમાં મોભી વ્યક્તિઓની મહત્તા ઘટી અને ઘરમાં મોટાભાગના નિર્ણયો હોમ મિનિસ્ટરો લેતા થયા ત્યારથી આ વ્યવસ્થામાં ખલેલ પહોંચી છે તે વાસ્તવિક ઘટના છે. પરિવારમાં પોતાનો સ્વાર્થ અને મારા તારાની ભાવનાને સ્થાન આપશો તો પરિવાર બરબાદ થઈ જશે. ત્યાગ બહુ જ મોટી મૂડી છે. ભગવાન રામચંદ્રએ પિતાશ્રીના એક જ વચનથી ભાઈ ભરતને અયોધ્યાની રાજગાદી આપી દીધી. જ્યારે જમીનનો કટકો આપવાનો હોય અથવા તો વ્યવહારમાં ભાગ આપવાનો હોય તે સમયે પણ પાઈ પાઈનો હિસાબ કરતા ભાઈઓને કેમ ભાઈ કહેવા ? ત્યાગની ભાવના બંને પક્ષે હોવી જોઈએ. આજે જે શહેરમાં સેટ થયા છે તે તેમના મોટા ભાઈ અને દાદાની કઠોર પરિશ્રમની તપસ્યા છે. નવી પેઢીને અને ઘરમાં આવેલી વહુને આ બાબત સમજવાની તાતી જરૂરીયાત છે. મોટાભાગે આદમી લોકો પોતાની વહુને પૂછીને નિર્ણય લે છે તેમાં જ આ બધી માથાકૂટ થાય છે. આજે તો હાઇકોર્ટનો ઓર્ડર આવે ત્યારે જ આગળ વાત ચાલી શકે. પરંતુ ૨૦ વર્ષ પહેલાં બંને ભાઈઓ એક જ થાળીમાં ખાતા હતા. લગ્ન થયા પછી એક ઘરના બે ઘર થાય છે. ગમે તેટલું શિક્ષણ આવે પરંતુ પરિવારની ભાવના નહીં હોય તો પીએચડી કરેલું પણ વ્યર્થ ગણાશે. આટલા મોટા વિશાળ પરિવારમાં મંથરાઓ તો રહેવાની જ ત્યારે હાથી જેટલા વિશાળ કાન રાખી, સમજણ શક્તિ કેળવી અને નિર્ણય લેવો જોઈએ તો જ પરિવારની ભાવના વ્યાપક બનશે. રોજ રામજીની સેવા કરે અને રામ જેવા બનવું નથી તો રામનો અર્થ શું ? મારા પપ્પા પરિવાર માટે આખી જિંદગી ઘસાતા જ રહ્યા અને એમના જ કારણે આજે અમે સુખી છીએ. સરપંચ હતા તો લોકસેવા કરી. તેમની ત્યાગની વૃત્તિ અને દરેકનું ભલું કરવાની ભાવના એ અમારો વારસો છે. ગામડે નવું ઘર બનાવ્યું તો મારા કાકાના દીકરા હિરેનભાઈ પટેલ જેમણે જૂના ઘરમાંથી ભાઈ તમારે જેટલી જગ્યા લેવી હોય તેટલી લઈને મોટું ઘર બનાવી દો. આવી ભરત જેવી ભાવના મારા નાના ભાઈ હિરેનમાં જોવા મળે છે. આવી પારિવારિક ભાવના કાયમ માટે રહે તે જ પરિવાર.
મારું સઢાનું ઘર તૈયાર કરવામાં તમામ કાર્ય તેણે જ કર્યું છે. પ્લાન બનાવવાથી માંડીને ખરીદી કરવાનું કામ પણ મોટાભાગે હિરેને જ કર્યું છે. મને મારા ભાઈમાં ભરત દેખાય છે. પારિવારિક ભાવના ઘરનો આધારસ્તંભ છે. રામાયણ આ શીખવે છે. તિલક કરતા ત્રેપન વહ્યા, જપમાળાના નાકા ગયા, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન, આવા પ્રપંચ અને આડંબર કરનારને અખાએ છપ્પામાં વ્યંગ દર્શાવેલ છે. રામનવમીના પાવન પર્વે દરેક પરિવારમાં ત્યાગ અને સમજની ભાવના કેળવાય તે જરૂરી છે. ભણેલા અતિ હોશિયાર થઈને માત્ર ભૌતિકવાદમાં ભટકતા ભવાયાની જેમ જીવે તેનો કોઈ અર્થ ખરો ? પરિવાર માટે શું કર્યું ? તેનો જવાબ આપવા તેઓ સક્ષમ નહિ હોઈ શકે ? કારણ કે મા બાપ દ્વારા જે પારિવારિક ગુણો કેળવવા જોઈએ છે તે ન મળતા છેલ્લે તો પતન થાય છે. લક્ષ્મીપતિ કદાચ બની શકાશે પરંતુ પરિવારના મોભી બનતા સદીઓ લાગી જશે. બાળકોમાં કાકા, મામા, માસી, ફોઈ, ફુવા અને સંબંધીઓની ઓળખ જ ના હોય તેને પરિવારના વ્યક્તિ કહી શકાય ? પરિવારમાં સમજણ હોય, જ્યાં રામચંદ્રના આદર્શ હોય તે જ કુટુંબ પરિવારની શાખ બને છે. પરિવારમાં એકતા હોવી જોઈએ. આપત્તિ વખતે એકબીજાને સહયોગ આપવાને બદલે એકબીજાની ખોદણી કરે ત્યાં પરિવારની ભાવના આવી શકે? પારિવારિક ભાવના કેળવવી હોય તો ઘસાતા શીખવું પડશે. એકબીજાની જરૂરિયાતને સંતોષવા માટે મદદ કરવી પડશે તો જ રામાયણ સાર્થક થશે. આજે વર્તમાનપત્ર અને સોશિયલ મીડિયામાં ઘટનાઓ વાંચતા હૃદયને ઝાટકો લાગે છે. નાના ભાઈએ મોટા ભાઈ ઉપર કેસ કર્યો. જમીનમાં બેનનું નામ કાઢી નાખ્યું. મામેરામાં પૈસા ના આપ્યા તો ભાણીયાએ મામા ઉપર કેસ કર્યો. મા બાપને ગામડામાં તગેડી મૂકવામાં આવ્યા અથવા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. આ બધી ઘટનાઓના સમાચાર જોયા પછી એમ થાય છે કે આવું બધું કરનારા લોકોના ઘરે ગમે તેટલી ઘંટડીઓ ખખડાવાથી કે તિલક કરવાથી ઘરે રામ આવશે ? પારિવારિક ભાવના કેળવવા માટે સમજણ શક્તિ ખૂબ જરૂરી છે. જરૂરિયાતવાળાને મદદ કરવી તે આપણી નૈતિક ફરજ છે. ઘણી વખતે પૈસાદાર ભાઈનો નાનો ભાઈ દવાખાનામાં હોય ત્યારે તેમના દીકરાને મોટા બાપા એ રીતે ખખડાવતા હોય મેડિક્લેમ લઈ લેવો જોઈએ ને, આવી બધી સુફીયાણી સલાહો આપે છે તેની જગ્યાએ એમ કહ્યું હોત કે બધું દવાખાનાનું બિલ હું ભરી દઉં છું તો લેખે લાગત. વિના સહકાર નહિ ઉદ્ધાર આ બાબતને પારિવારિક સૂત્ર બનાવવાની જરૂર છે.
પરિવારમાં એકતા હોય તો કોઈની તાકાત નથી કે તમારી સામે જોઈ શકે. પરિવારમાં કોઈકને ટેકો આપવાથી તે ઉભો થશે અને આગળ આવશે. પરિવારની સુખ સમૃદ્ધિ વધશે અને વારસાની કીર્તિ ફેલાશે. દરેક ઘરમાં રામ, ભરત તેમજ લક્ષ્મણ નિર્માણ થવા જોઈએ અને સીતા મા જેવી આદર્શ પત્નીઓ હોવી જોઈએ તો પરિવાર ક્યારેય પણ તૂટશે નહીં.
એ ઘરમાં રામાયણ કાયમ માટે જીવંત રહેશે.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨