અમરેલીમાં રહેતા મહેશભાઈ ભવાભાઈ કાબરીયાએ રાજેશભાઈ નાથાભાઈ તળાવીયા, ઋત્વીકભાઈ રમેશભાઈ તળાવીયા, ચાર મહિલા સહિત કુલ ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તથા સાહેદ ભાવિનભાઈ સોજીત્રાએ અમરેલી સુધરાઇના હદ વિસ્તારમાં આવતા લીલીયા રોડ પર આવેલ જમીન જે હાલ સીમંધર પાર્ક (બી) અને સીમંધર પાર્ક(એ) પાસેથી મળી કુલ-૩૭ વસા જમીન બાંધકામ કરી વેચાણ કરવાના હેતુથી ખરીદી હતી. આરોપીઓ આ જમીનનો દસ્તાવેજ કરી આપવા સારૂ તા.૧૦/૧૦/૧૬ ના રોજ બાનાખત કરી બંધાયેલા હતા તેમ છતાં તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરૂ કરી જમીનની નક્કી કરેલી મૂળ રકમ તથા વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેવાના સમાન ઈરાદે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરિયાદી તથા સાહેદ પાસેથી જમીનની અવેજની કુલ રકમ રૂ.૨૦,૦૨,૧૧,૮૪૩/- ની મેળવી લઈ ઠગાઈ કરી હતી. બળજબરી પૂર્વક વ્યાજ પેટે કુલ રૂ.૧૦,૧૦,૭,૩૫૭ મળી કુલ રૂ.૨૧,૦૩,૧૯,૨૦૦ તેમને તથા તેના પરિવારને ધમકીઓ આપી બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. ઉપરાંત વધુ વ્યાજ પેટે રૂપિયા ત્રણ કરોડની માંગણી કરીને ત્રણ કરોડ વ્યાજ પેટે નહીં આપો તો તેમને તથા તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી.