પાક સંરક્ષણઃ
જીવાતો:ચીકુની કળી કોરનાર ઈયળ: આ જીવાતની ઈયળ રતાશ પડતી ઘેરા બદામી રંગના માથાવાળી અને માથા પર સફેદ પટો ધરાવતી હોય છે. ઈયળ ચીકુની કળી તથા ફૂલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે પરિણામે ફળો બેસતાં નથી. નવી પીલવણી વખતે કુમળા પાનને ખાઈને પણ નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ ફેબ્રુઆરીથી જૂન મહિના દરમ્યાન નુકસાન વધતું જાય છે.
નિયંત્રણ: આ જીવાતના નિયંત્રણ માટે ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી શરૂ કરીને એક મહિનાના અંતરે ૧૦ લિટર પાણીમાં મોનોક્રોટોફોસ ૧૦ મિ.લિ. અથવા ડાયકલોરવોશ ૩ મિ.લિ. પ્રવાહી દવાના ત્રણ છંટકાવ કરવા જોઈએ.
ચીકુ મોથ: આ જીવાતની ઈયળ ઝાંખા લીલા અથવા બદામી રંગની હોય છે. સામાન્ય રીતે પાનનાં ઝૂમખાં બનાવી તેમાં ભરાઈને પાનનું હરિત દ્રવ્ય ખાઈને નુકસાન કરે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કળી તથા ફૂલોને નીચેથી કાણું પાડી કોરી ખાય છે. મે-જૂન તથા ઓકટોબર-નવેમ્બર મહિનામાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
નિયંત્રણ: કળી કોરનાર ઈયળના નિયંત્રણ માટે દર્શાવેલ રાસાયણિક દવાના છંટકાવથી આ જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી ખાતેથી કરવામાં આવેલ ભલામણ મુજબ મહતમ ફુલ આવવાના સમયે ડાયકલોરવોશ ૩ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીનનું તૈયાર મિશ્રણ ૧૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ અને સાયપરમેથ્રીનનું તૈયાર મિશ્રણ ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી કળી કોરનાર ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. ઉપરોકત છંટકાવ જરૂરિયાતના આધારે અથવા ર૦ દિવસના આંતરે છંટકાવ કરવાની ભલામણ છે.
ફળમાખી:ફળમાખી રંગે બદામી અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માદા ફળમાખી પરિપકવ થવા આવેલાં ફળોમાં પોતાનું અંડનિક્ષેપક દાખલ કરી ફળમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલા કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને નુકસાન કરે છે. નુકસાન પામેલાં ફળો કોહવાતા ખાટી દુર્ગંધ મારે છે. એપ્રિલથી જૂલાઈ દરમ્યાન ચીકુવાડીમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
નિયંત્રણ:ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી અને સડેલાં ફળો ખાડામાં દાટી મિથાઈલ પેરાથિયોન પાઉડર નાંખવો. નૌરોજી મિથાઈલ યુજીનોલ યુકત ટ્રેપ દર ૧૦ ઝાડ દીઠ એક પ્રમાણે અથવા હેકટરે ૧૦ ટ્રેપ મૂકવાથી નર ફળમાખીને આકર્ષીને વસ્તી વધતી અટકાવી શકાય છે. સામૂહિક રીતે આ ટ્રેપ મૂકવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ ટ્રેપ જમીનથી ચાર ફુટ ઉંચાઈએ મૂકવા.
ચીકુનું પાનકોરિયું અને પાન વાળનારી ઈયળ: આ જીવાતો નવી પીલવણીને વધતાં ઓછા પ્રમાણમાં નુકસાન કરતી હોય છે. વધારે ઉપદ્રવ હોય તો ડી.ડી.વી.પી. ૧૦ લિટર પાણીમાં પ મિ.લિ. પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.
ચીકુ ફળની કથીરી: દક્ષિણ ગુજરાતના ચીકુ ઉગાડતા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ટુકરેલા નામની લાલ માઈટનું નુકસાન ચીકુ ફળમાં જોવા મળે છે. આ માઈટ ફળો પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ખાય છે. પરિણામે ફળો ખરબચડા અને કાળા રંગના થઈ જાય છે અને ફળોની ગુણવત્તા ઘટે છે.
નિયંત્રણ:આ માઈટના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ફેનાઝાકવીન ૧૦ મિ.લિ. અથવા ઈથીઓન ર૦ મિ.લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ.લિ. દવા ભેળવી છંટકાવ કરવો જોઈએ.(ક્રમશઃ)