રાજુલાના એસટી ડેપોને થોડા સમય પહેલા જ મોડેલ ડેપો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ મોડેલ ડેપો માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. મોડેલ ડેપો જાહેર કર્યો હોવા છતાં અહીં મુસાફરો માટે સુવિધાના નામે કંઈ જ નથી જેના કારણે મુસાફરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
અહીં ડેપોમાં નવા પંખા ફીટ કરવામાં આવેલ છે જેમાંથી ચાર પંખા બંધ છે જ્યારે બાકીના પંખા ધીમી ગતિએ ચાલે છે. અદ્યતન સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે. અહીં રાત્રે ૯ કલાકે ટોયલેટ બંધ થઈ જાય અને સવારે મન પડે ત્યારે ખોલવામાં આવે છે. વાવાઝોડા સમયે રાજુલા ડેપોની દિવાલ પડી ગઈ હતી જેને ત્રણ વર્ષ થયા હોવા છતાં આ દિવાલ હજુ રિપેર કરવામાં આવી નથી.
સાથે જ બે દિવસ થાય એટલે ખાળકૂવો ભરાઈ જાય છે અને ટેન્કર ભરવા આવે એટલે પેસેન્જરને આ ખાળકૂવાની દુર્ગંધ સહન કરવી પડે છે. મુસાફરોને પડતી આટલી બધી હાલાકી પછી શું આ ડેપોને મોડેલ કહેવાય ખરો તે એક મોટો સવાલ છે.