(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૪
એપ્રિલમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ફુગાવો ૧.૨૬%ના ૧૩ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. માર્ચમાં તે ૦.૫૩% હતો. વાણિજ્ય મંત્રાલયે મંગળવારે આ સંબંધિત ડેટા જાહેર કર્યો. નિષ્ણાતોએ જથ્થાબંધ મોંઘવારી દર ૧% રહેવાનો અંદાજ મૂક્યો હતો. જથ્થાબંધ ફુગાવાના દરમાં આ વધારો ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે થયો છે. એપ્રિલ મહિનામાં ડુંગળીના ભાવમાં વૃદ્ધિ દર ૫૯.૭૫% હતો જે માર્ચ મહિનામાં ૫૬.૯૯% હતો. જ્યારે બટાકાના કિસ્સામાં, ભાવ વૃદ્ધિ દર ૭૧.૯૭% હતો, માર્ચ મહિનામાં તે ૫૨.૯૬% હતો. એક વર્ષ અગાઉની સરખામણીએ, તે સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવમાં ૫.૫૪%નો ઘટાડો થયો હતો, જ્યારે બટાકાના ભાવમાં ૩૦.૫૬%નો વધારો થયો હતો.
ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર વાર્ષિક ધોરણે ૫.૫૨% વધ્યો હતો, જે માર્ચ મહિનામાં ૪.૭% વધ્યો હતો. માસિક ધોરણે, માર્ચ મહિનાના ૦.૯૫%ની સરખામણીએ તેમાં ૧.૯૪% નો વધારો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે થયો છે.
એપ્રિલ ૨૦૨૪ માં, ક્રૂડ પેટ્રોલિયમનો જથ્થાબંધ ફુગાવાનો દર ગયા વર્ષના ૧.૬૪% ની સરખામણીએ વધીને ૪.૯૭% થયો. એપ્રિલ મહિનામાં પ્રાથમિક ચીજવસ્તુઓનો જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૫.૦૧% થયો છે, જે અગાઉના મહિનામાં ૪.૫૧% હતો. પ્રાથમિક ચીજવસ્તુઓમાં ખાદ્ય ચીજવસ્તુઓ, શાકભાજી અને ખનિજાની કિંમતોનો સમાવેશ થાય છે. ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં અગાઉના મહિનામાં ૦.૮૫ ટકાના ઘટાડા સામે ૦.૪૨ ટકાનો ઘટાડો થયો છે. ઇંધણ અને વીજળીના ભાવમાં માર્ચમાં ૦.૭૭ ટકાના ઘટાડા સામે ૧.૩૮ ટકાનો વધારો થયો છે. અગાઉ, આંકડા મંત્રાલયે છૂટક ફુગાવાના આંકડા પણ જાહેર કર્યા હતા, જે મુજબ છૂટક મોંઘવારી દર વાર્ષિક ધોરણે ૪.૮૩ ટકાના ૧૧ મહિનાના નીચા સ્તરે
આવી ગયો હતો, જ્યારે અગાઉના મહિનામાં તે ૪.૮૫ ટકા હતો.