મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલોને ઝડપી બનાવવા માટે, કેન્દ્ર સરકારે ૧૬ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી સંસદનું ત્રણ દિવસનું સત્ર બોલાવ્યું છે. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા અનામત અધિનિયમ, ૨૦૨૩ ના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો છે, જેનાથી મહિલાઓને અનામત મળી શકે અને ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ થઈ શકે. જાકે, સંસદ સત્ર પહેલા જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસે આ પગલા પાછળ સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે ભાજપે કોંગ્રેસ પર ભૂતકાળમાં મહિલાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન, દક્ષિણ રાજ્યોએ પણ મોરચો ખોલ્યો છે. રેવંત રેડ્ડી અને સ્ટાલિને સીમાંકનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
વડાપ્રધાન મોદીએ આ અંગે દેશની મહિલાઓને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે જા ૨૦૨૯ની લોકસભા અને વિવિધ વિધાનસભા ચૂંટણીઓ સંપૂર્ણ મહિલા અનામત લાગુ કરીને યોજાશે, તો ભારતીય લોકશાહી વધુ મજબૂત અને ગતિશીલ બનશે. તેમણે કહ્યું હતું કે જ્યારે મહિલાઓ નીતિનિર્માણ અને નિર્ણય લેવામાં સક્રિય ભૂમિકા ભજવશે, ત્યારે “વિકસિત ભારત” તરફની યાત્રા વધુ મજબૂત બનશે.
દક્ષિણ ભારતના બે મુખ્ય બિન-ભાજપ શાસિત રાજ્યો – તમિલનાડુના એમ.કે. સ્ટાલિન અને તેલંગાણાના એ. રેવંત રેડ્ડી – ના મુખ્યમંત્રીઓએ સીમાંકન મુદ્દા પર કેન્દ્ર સરકાર પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો. જા તમિલનાડુ સાથે કોઈ અન્યાય થશે તો સ્ટાલિને “મોટા પાયે આંદોલન” કરવાની ચેતવણી આપી હતી, જ્યારે રેડ્ડીએ તેને “અન્યાય” ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીને લખેલા ખુલ્લા પત્રમાં, રેડ્ડીએ સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ફક્ત વસ્તીના આધારે લોકસભાની બેઠકો વધારવાથી દેશના સંઘીય સંતુલન પર અસર પડશે. તેમણે જણાવ્યું હતું કે આ “પ્રમાણસર મોડેલ” દક્ષિણના રાજ્યોને સ્વીકાર્ય નહીં હોય અને તેમની ચિંતાઓને દૂર કર્યા વિના આગળ વધવાથી વ્યાપક વિરોધ થશે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનને મળવા અને સામૂહિક રણનીતિ ઘડવાની પણ અપીલ કરી હતી. એક વીડિયો સંદેશમાં, સ્ટાલિને કહ્યું હતું કે જા સીમાંકન દ્વારા ઉત્તરીય રાજ્યોની રાજકીય શક્તિ અસંતુલિત રીતે વધારવામાં આવશે, તો તમિલનાડુમાં જારદાર વિરોધ થશે.
૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે સીમાંકન દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા વર્તમાન ૫૪૩ થી વધારીને આશરે ૮૫૦ કરી શકાય છે. બંધારણ સુધારા બિલના મુસદ્દા મુજબ, મહિલાઓ માટે ૩૩ ટકા અનામત સુનિશ્ચિત કરવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં બેઠકો પણ વધારવામાં આવશે. સરકારે મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલો સાંસદો સાથે શેર કર્યા પછી, કોંગ્રેસે કહ્યું કે જા કોઈપણ બિલનો હેતુ “ભ્રામક” હોય, તો તે સંસદીય લોકશાહીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
શાસક રાષ્ટ્રીય લોકશાહી જાડાણએ વડા પ્રધાનના પગલાને સમર્થન આપતાં તેને “ઐતિહાસિક” ગણાવ્યું. મહારાસ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે આ પહેલ મહિલાઓની ભાગીદારી વધારવા તરફ એક મોટું પગલું છે અને ભારતીય લોકશાહીમાં “સુવર્ણ અધ્યાય” ઉમેરશે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ પણ તમામ પક્ષો અને સાંસદોને મહિલા અનામત કાયદામાં સુધારાને સમર્થન આપવા અપીલ કરી.










































