ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ હોવા છતાં, મધ્ય પૂર્વમાં કટોકટી ઓછી થઈ નથી. તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું. તેમણે જાહેરાત કરી હતી કે ૩૧૨ વધુ ભારતીય માછીમારોને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ભારતીય માછીમારોને આર્મેનિયા દ્વારા સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા હતા. તેમણે આ શક્ય બનાવવા બદલ આર્મેનિયન સરકારનો પણ આભાર માન્યો.
વિદેશ મંત્રી ડા. એસ. જયશંકરે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, “૩૧૨ વધુ ભારતીય માછીમારોને ઈરાનથી આર્મેનિયા થઈને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ શક્ય બનાવવા બદલ આર્મેનિયન સરકાર અને મારા મિત્ર અરારત મિર્ઝોયાનનો આભાર.” અગાઉ, ૫ એપ્રિલે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનમાં ફસાયેલા કુલ ૩૪૫ ભારતીય માછીમારોને આર્મેનિયા થઈને સુરક્ષિત રીતે ચેન્નાઈ પાછા લાવવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના ભારતના સતત પ્રયાસોના ભાગ રૂપે માછીમારોને પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે તે સમયે સોશિયલ મીડિયા પોસ્ટમાં આર્મેનિયન સરકારનો આભાર માન્યો હતો અને લડાઈ વચ્ચે ઈરાનથી ભારતીય નાગરિકોના સુરક્ષિત પરિવહનની સુવિધા આપવા બદલ તેમના સમકક્ષ અરારત મિર્ઝોયાનનો આભાર માન્યો હતો.
આર્મેનિયા ઈરાનમાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઈરાનમાંથી ૧,૨૦૦ થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૯૯૬ હવે આર્મેનિયા પહોંચી ગયા છે. દરમિયાન, ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવને ઉકેલવા માટે વાટાઘાટો માટે યુએસ અને ઈરાની પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. યુએસ ઉપપ્રમુખ જે.ડી. વાન્સ મહત્વપૂર્ણ યુએસ-ઈરાન વાટાઘાટો માટે યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
જે.સી. વાન્સ તેમના પ્રતિનિધિમંડળ સાથે સવારે ૧૧ઃ૧૫ વાગ્યે ઇસ્લામાબાદ પહોંચ્યા. સમગ્ર વિશ્વ હાલમાં પાકિસ્તાનમાં થઈ રહેલી વાટાઘાટો પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનમાં યુએસ અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલી રહી છે. આનાથી મધ્ય પૂર્વની સ્થિતિતા અને વૈશ્વક અર્થતંત્ર પર મોટી અસર પડશે. વાન્સે આગામી વાટાઘાટો અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું, “અમે વાટાઘાટોની રાહ જાઈ રહ્યા છીએ. મને લાગે છે કે તે સકારાત્મક રહેશે.”








































