ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલી અંબુજા વિધાનિકેતન શાળામાં પ્રથમ વખત ભવ્ય ઓપન કરાટે ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોમાં આત્મરક્ષાની કળા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શિસ્ત કેળવવાનો હતો. નિહોન શોટોકન કરાટે એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ટર્ફ સૈદ માર્શલ આર્ટ એકેડમીના અક્ષયભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં વિવિધ વયજૂથના ખેલાડીઓએ ભાગ લઈ પોતાની ક્ષમતા સાબિત કરી હતી, જેમને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધાના ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ હવે અમદાવાદ ખાતે યોજાનારી આગામી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં કોડીનારનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે મહાનુભાવો, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.