શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવવાની જૂની અદાવતમાં એક યુવક પર ત્રણ શખસોએ જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં ત્રણ શખસો યુવકનો પીછો કરીને તેના પર છરી વડે હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે ગોમતીપુર પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગોમતીપુરના અનુપમ બ્રિજ નજીક સલાટનગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ શેખના પરિવાર સાથે આ વિવાદ જોડાયેલો છે. આશરે ૧૫થી ૧૮ દિવસ અગાઉ સલાટનગર વિસ્તારમાં રહેતા નકીબ સંધીની ગાડી પોલીસે ચેક કરી હતી. આ બાબતે નકીબને શંકા હતી કે તેની ગાડી ચેક કરાવવામાં ઈસ્માઈલ શેખનો હાથ છે.આ અદાવતમાં ઘોડાની બગી સળગાવવાની ઘટના બની હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.
ફરિયાદ મુજબ, ઈસ્માઈલ શેખ પોતાના મિત્રો મોહમ્મદ અનાસ અને મોહમ્મદ આમીન સાથે ટુ-વ્હીલર પર ઘરે જઈ રહ્યા હતા.રાત્રિના લગભગ અઢી વાગ્યાના સમયે તેઓ ગોમતીપુર આરકે એસ્ટેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નકીબ, ફૈઝાન ઉર્ફે લંબુ અને આમિર એક્સેસ ટુ-વ્હીલર પર ત્યાંથી પસાર થયા હતા.આ લોકોને જોઈ ઈસ્માઈલે રસ્તો બદલી ગોમતીપુર ગામના અંબા માતાના મંદિર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો.
આરોપ છે કે નકીબે ચાલુ વાહને ઈસ્માઈલ પર છરીથી હુમલો કર્યો હતો.છરીનો ઘા લાગતા ઈસ્માઈલ ટુ-વ્હીલર પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ મળીને તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન આરોપીઓએ બગી સળગાવવાની ઘટનાનો ઉલ્લેખ કરીને ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઈસ્માઈલ જીવ બચાવવા માટે આજીજી કરતા રહ્યા હતા, પરંતુ આરોપીઓ હુમલો કરતા રહ્યા હતા.
ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચતા ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઈસ્માઈલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમના મિત્રો તેમને સારવાર માટે
હોસ્પિટલ લઈ ગયા હતા.
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે વિસ્તારમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સલાટનગર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોલીસ તંત્ર પાસે વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે નકીબ, ફૈઝાન ઉર્ફે લંબુ અને આમિર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરી રહી છે.