ધારી તાલુકાના ધારગણી ગામે આગામી ચૂંટણીના સંદર્ભમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી અને ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. રતનના સીધા નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ હતી. બેઠકમાં ધારગણી જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી લડી રહેલા ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત ઉમેદવારો અને ગ્રામજનોને આગામી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.