અમરેલી શહેરના ચક્કરગઢ રોડ સ્થિત ખોડલધામ પાર્ટી પ્લોટ ખાતે આયોજક હેતલબેન ખુટના સંકલન હેઠળ ‘સ્વસ્થ નારી – યોગી રમતોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ‘મુક્ત અને સ્વસ્થ ગુજરાત’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ મહિલા સાધકો અને યોગ ટ્રેનરોએ ભાગ લીધો હતો.આ રમતોત્સવમાં યોગ પ્રદર્શનની સાથે વિવિધ રમત-ગમત અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિજેતા બહેનોને ટ્રોફી અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી, જિલ્લા કોઓર્ડિનેટર સાગર મહેતા અને દયાળભાઈ સંગાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.