અમરેલી જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવાના હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક જળસંચય અભિયાન શરૂ કરાયું છે. ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના ગામોમાં ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આ અભિયાન અંતર્ગત જૂના ચેકડેમોનું રિપેરિંગ અને વોકળાઓ પર પાળા બાંધી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનાથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અત્યાર સુધીમાં ૯,૦૦૦થી વધુ જળ માળખાઓનું નિર્માણ કરી ચૂક્યું છે. ઉર્જામંત્રીએ આ કાર્યને આવનારી પેઢી માટેની મોટી મૂડી ગણાવી હતી. આ ભગીરથ કાર્યમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.










































