એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બોપલના ઘુમા રોડ પર આરોહી ક્લબ નજીક વિવિયાના ફ્લેટમાં ભાડાના એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો અને રહેણાંક સંકુલમાં કાર્યરત એક સમૃદ્ધ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો. નિશાંત સોલંકી નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેના ચાર સાથીઓ ફરાર છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ત્યાંથી કોકેન, એમ.ડી. ડ્રગ, હાઈબ્રીડ ગાંજા, વિદેશી દારૂ, બિયર અને ચાર મોંઘા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદના બોપલ-ઘુમા રોડ પર આરોહી ક્લબ પાસેના એક ફ્લેટમાંથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ૧૦૨.૫૯ ગ્રામ એમ.ડી. ડ્રગ (૧૦.૨૫ લાખ રૂપિયાની કિંમતનું), ૪૬.૬૪ ગ્રામ હાઈબ્રીડ ગાંજા (૧.૨૨ લાખ રૂપિયાની કિંમતનું), ૮.૮૮ ગ્રામ કોકેન (૪.૪૪ લાખ રૂપિયાની કિંમતનું), વિદેશી દારૂની ૬ બોટલ અને બિયરના ૨૪ ટીન કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણકારી મળી છે કે તે મૂળ રાજકોટનો રહેવાસી છે. તેણે મહિને ૩૩ હજારના ભાડાથી ગત માર્ચ મહિનામાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. છેલ્લા એક વર્ષથી આ વેપાર કરતો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, તે કોકેન, એમ.ડી. ડ્રગ અને હાઈબ્રીડ ગાંજા અડલજના અદાણી શાંતિગ્રામમાં રહેતા રિક અને સાન્ડ્રા તેમજ દિલ્હીના ‘ઘોસ્ટ’ નામના વ્યક્તિ પાસેથી ખરીદતો હતો. આ ઉપરાંત, તેણે શહેરના મેમ્કો વિસ્તારમાં રહેતા અજય પટેલ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મેળવ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.
નિશાંત સોલંકી પાસેથી રૂ. ૪.૪૪ લાખની કિંમતનું ૮.૮૮ ગ્રામ કોકેન મળી આવતા પોલીસે શહેરમાં ડ્રગ નેટવર્ક સક્રિય હોય શકે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે. આરોપી નિશાંત સોલંકીએ પોતે પણ આ પ્રકારના નશાનો આદી હોવાનું કબૂલ્યું છે.
નિશાંત શરૂઆતમાં પોતાના નશાની પૂર્તિ માટે અદાણી શાંતિગ્રામમાં રહેતા બે શખ્સો પાસેથી નશીલા પદાર્થો ખરીદતો હતો. બાદમાં નાણાંની તંગી સર્જાતા તેણે જાતે જ આ વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે અડાલજના ફરાર આરોપી રિક અને સાન્ડ્રા પાસેથી માલ ખરીદવાનું શરૂ કર્યું હતું. ગ્રાહકોની સંખ્યા વધતા તેણે દિલ્હીના ‘ઘોસ્ટ’ નામના વ્યક્તિનો સંપર્ક કરી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો મગાવવાનું શરૂ કર્યું હતું.
એક અહેવાલ પ્રમાણે, પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે નિશાંતના ફ્લેટમાં એક યુવતી હાજર હતી. જાકે, તેની આમાં સંડોવણી ન હોવાને કારણે તેને જવા દેવામાં આવી હતી. જ્યારે તપાસમાં સામે આવ્યું છે કે, નિશાંતના ઘરે સ્પામાં કામ કરતી યુવતીઓ ડ્રગ્સ લેવા આવતી હતી જેથી આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.










































