સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકના ભાજપના સક્રિય અને મજબૂત મહિલા ઉમેદવાર લીનાબેન નિનામાનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના રાજકીય આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ ચીતરીયા બેઠક પરથી ભાજપના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી રહેલા લીનાબેન નિનામા બુધવારે સાંજે પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાનમાં વ્યસ્ત હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક અસરથી ભીલોડાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ કમનસીબે સારવાર કારગત નીવડી નહોતી અને તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
લીનાબેન નિનામા ચીતરીયા વિસ્તારમાં ભાજપના એક પાયાના અને અત્યંત મજબૂત આગેવાન તરીકે ઓળખાતા હતા. સ્થાનિક સ્તરે તેમની લોકચાહના અને સંગઠન શક્તિને કારણે પક્ષે તેમને આ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમના નિધનથી ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. સ્થાનિક કાર્યકરો અને નેતાઓએ તેમના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
જા ચૂંટણીના મેદાનમાં રહેલા કોઈ માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થાય, તો તે બેઠકની ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવતી હોય છે. ચીતરીયા બેઠક પર હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયા અટકી શકે છે. આ સ્થિતિમાં, આ બેઠક માટે ફરીથી ફોર્મ ભરવાની અને નવી તારીખ જાહેર કરવાની નોબત આવી શકે છે. હાલમાં સમગ્ર વિજયનગર તાલુકામાં આ ઘટનાની ચર્ચા જાવા મળી રહી છે.