ગુજરાત રાજ્યના રેશનિંગ ક્ષેત્રે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યભરના રેશન દુકાનદારોએ તેમની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આગામી ૧૯ એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની સત્તાવાર જાહેરાત કરી છે. રેશન દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વેપારીઓ હવે વિતરણ વ્યવસ્થાથી સંપૂર્ણપણે અળગા રહેશે. વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
દુકાનદારોનો મુખ્ય આક્ષેપ એ છે કે એપ્રિલ મહિનાનો રેશનનો જથ્થો હજુ સુધી તેમની દુકાનો સુધી પહોંચાડવામાં આવ્યો નથી. આ વિલંબને કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. એસોસિએશનની સ્પષ્ટ માંગ છે કે રેશનનો જથ્થો દર મહિનાની ૧ થી ૭ તારીખની અંદર જ દુકાનો સુધી પહોંચી જવો જાઈએ. જા પુરવઠો સમયસર મળે તો જ ગ્રાહકોને મુશ્કેલી વિના અનાજ વિતરણ કરી શકાય. હાલમાં અનિયમિતતાને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ રહી હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.
આ હડતાળની જાહેરાત સાથે જ વેપારીઓએ ચીમકી આપી છે કે તેઓ હવે રેશનનો નવો જથ્થો દુકાનોમાં ઉતારશે નહીં. આ નિર્ણયથી રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી પર ગંભીર અસર પડવાની શક્યતા છે. હજારો પરિવારો જે સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર છે, તેઓને આગામી દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જા સરકાર દ્વારા વહેલી તકે મધ્યસ્થી કરવામાં નહીં આવે, તો આ હડતાળ લાંબી ખેંચાઈ શકે છે અને ગરીબ મધ્યમ વર્ગના રાશન કાર્ડ ધારકો માટે અનાજની અછત સર્જાઈ શકે છે.










































