સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીર જવાનોના પરિવારો માટે આર્થિક સહાય અને સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જય જવાન નાગરિક સમિતિ-સુરત દ્વારા આ વર્ષે ૨૯ વીર જવાનોના પરિવારોને રૂ. ૬૦ લાખથી વધુની આર્થિક સહાય અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત વિવિધ શહેરોમાં ૧૮ પરિવારોને અને ૬ પરિવારોના ઘરે રૂબરૂ જઈને સહાય અર્પણ કરવામાં આવી છે. હવે ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાનાર ‘સમર્પણ ગૌરવ સમારોહ’માં કારગીલ યુધ્ધના હીરો લેફ્‌ટનન્ટ જનરલ યોગેશકુમાર જોષી, મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને મેયર માયાબેન માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં વધુ ૫ શહીદ પરિવારોને પ્રત્યેકને રૂ. ૩.૫૦ લાખ અને શૌર્ય મેડલ અર્પણ કરાશે. આ પ્રસંગે સુરતમાં તિરંગા યાત્રા અને રક્તદાન શિબિર જેવા દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત રોહિતભાઈ મારફતિયા રચિત પુસ્તકની આવક પણ વીર પરિવારોને અર્પણ કરાશે.