અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેતરપિંડીની બે ઘટના બની છે, જેમાં કુલ રૂ. ૨.૯૫ લાખની ઠગાઈ થઈ છે. મણિનગરમાં એક પરિણીતાએ ‘વર્ક ફ્રોમ હોમ’ની જાહેરાત જાઈ દિવસના રૂ. ૧૦ હજાર કમાવાની લાલચમાં રૂ. ૨.૭૦ લાખ ગુમાવ્યા. તેવી જ રીતે દાણીલીમડામાં અજાણ્યા શખ્સે લોનની રકમ પરત કરવાના બહાને વૃદ્ધ પાસેથી રૂ. ૨૫ હજારની ચોરી કરી. આ બંને કિસ્સામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મણિનગરમાં ૩૪ વર્ષીય ધારાબેન ગદાણી પરિવાર સાથે રહે છે. ગત ૨૧ જાન્યુઆરીના રોજ સવારે તેઓ ફેસબુકનો ઉપયોગ કરતા હતા ત્યારે તેમની સમક્ષ ‘વર્ક ફ્રોમ હોમ’ની એક લિંક આવી. આ લિંક ખોલતા જ વોટ્‌સએપ ગ્રૂપમાં એક અજાણ્યા વ્યક્તિનો સંદેશ મળ્યો, જેમાં અંશકાલીન નોકરી (પાર્ટ ટાઈમ જાબ) માટે દૈનિક રૂ. ૧૦ હજાર આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તે શખ્સે ટેલિગ્રામ પર લિંક મોકલી ધારાબેનનું એકાઉન્ટ બનાવ્યું અને થોડું રોકાણ કરી કમિશન મેળવવા જણાવ્યું. ધારાબેને વિશ્વાસ રાખી રોકાણ કર્યું, ત્યારે ઠગે નફા સાથે રકમ પરત કરી તેમનો વિશ્વાસ જીતી લીધો. જાકે, ત્યારબાદ ટાસ્ક, ટેક્સ અને પેનલ્ટી જેવા વિવિધ બહાના હેઠળ ઠગે ધારાબેન પાસેથી કુલ રૂ. ૨.૭૦ લાખ પડાવ્યા. જ્યારે ધારાબેને પોતાનું કમિશન અને મૂળ રકમ પરત માગી ત્યારે ઠગે વધુ રૂપિયાની માગણી કરી હતી. આથી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ધારાબેને મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
દરમિયાન દાણીલીમડામાં રહેતા ૬૧ વર્ષીય મહેંદીહુસેન ખલીફા વ્યવસાયે ડ્રાઈવર છે. સાત મહિના પહેલાં તેમણે આઈસર ટ્રક ખરીદવા માટે એક ફાઈનાન્સ કંપનીમાંથી રૂપિયા ૯૯ હજારની લોન લીધી હતી. ગત ૧૨ એપ્રિલના રોજ એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોતે ફાઈનાન્સ કંપનીમાંથી બોલે છે તેમ જણાવ્યું. તેણે કહ્યું કે તમારી લોનના વધારાના રૂપિયા કપાઈ ગયા છે જે પરત કરવાના છે. આ માટે તેણે વોટ્‌સએપ પર એક લિંક મોકલી ફોર્મ ભરવા સૂચના આપી. મહેંદીહુસેનની પુત્રવધૂએ તે લિંક ખોલી ત્યારે ઠગે ફોન કરી ફોન-પે અને ગુગલ-પે તપાસવા કહ્યું. તે તપાસવા જતાં જ ઠગે વૃદ્ધના ખાતામાંથી રૂ. ૨૫ હજાર ઉપાડી લીધા. છેતરપિંડીની જાણ થતા જ વૃદ્ધે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.