અમરેલી નગરમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, પરમ પરાક્રમી અને તેજસ્વી એવા ભગવાન શ્રી પરશુરામજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ‘બ્રહ્મ સ્વરોત્સવ’, ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માનવ હિત માટે સતત સંઘર્ષરત અને શક્તિપુંજ સમાન ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ આગામી તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે દિવ્ય રીતે ઉજવવાનો શિવ સંકલ્પ લેવાયો છે. આ ઉત્સવના પ્રારંભ રૂપે પૂર્વ સંધ્યાએ એટલે કે ૧૮ એપ્રિલના રોજ રાત્રે આઠ કલાકે શ્રી પરશુરામ ધામ, અમરેલી ખાતે ‘બ્રહ્મ સ્વરોત્સવ’ યોજાશે. જેમાં જાણીતા લોકગાયક શ્રી વિમલ મહેતા અને યુવા ગાયક શ્રી પ્રયાગ મહેતા દ્વારા ભગવાન શિવજીની આરાધના કરવામાં આવશે.શાસ્ત્ર અને શસ્ત્રના સમન્વય દ્વારા સમાજને ધર્મ, શિક્ષણ અને સંસ્કાર આપી રાષ્ટ્રને સાચી દિશા બતાવનારો આપણો હિંદુ સમાજ જાગૃત બને અને ભારત પુનઃ વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થાય તેવા શુભ હેતુથી એક અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા તારીખ ૧૯ એપ્રિલના રોજ સાંજે પાંચ કલાકે અમરેલીના ગ્રામદેવતા શ્રી નાગનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થઈ શ્રી પરશુરામ મંદિર ખાતે સંપન્ન થશે. આ યાત્રામાં ભગવાન પરશુરામજીના વંશજ એવા ભૂદેવો સહિત અમરેલીની સમસ્ત સનાતની જનતા જોડાશે. શોભાયાત્રાના અંતે શ્રદ્ધાની અભિવ્યક્તિ રૂપે ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાશે.આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અમરેલી નગરના તમામ વેપારી મંડળો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે ટીમ પરશુરામ ધામ, જિલ્લા અને શહેર બ્રહ્મ સમાજ તેમજ યુવા અને મહિલા બ્રહ્મ સમાજની પાંખો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભગવાન પરશુરામ પ્રત્યેની અપાત્ર આસ્થા વ્યક્ત કરવા માટે આ પ્રાગટ્ય ઉત્સવ અમરેલીના આંગણે એક યાદગાર પ્રસંગ બની રહેશે.










































