પંચમહાલ જિલ્લામાં એક ચોંકાવનારી ઠગાઈની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં ચોરી થયેલી કારોના ચેસીસ અને વાહન નંબર બદલીને તેમને કાયદેસર દેખાડીને વેચવામાં આવતી હતી. ગોધરા શહેરના સિમલા વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધા સામે પોલીસએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે, તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આરોપી વસીમ સિદ્દીક અકસ્માતગ્રસ્ત અને જૂની ગાડીઓને સ્ક્રેપ તરીકે ખરીદી લાવતો હતો. ત્યારબાદ તે ગાડીઓમાંથી મૂળ ચેસીસ નંબર અને વાહન નંબરની વિગતો મેળવી લેતો અને તે જ માહિતી ચોરીની ગાડીઓ પર લગાવી દેતો હતો. ગેસ કટરનો ઉપયોગ કરીને ચેસીસ નંબર વાળી જગ્યાને કાપીને અન્ય વાહનમાં ફિટ કરવામાં આવતું હતું, જેથી વાહન સંપૂર્ણ કાયદેસર લાગે.
આ સમગ્ર કૌભાંડ ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપમાં થતું હોવાનું સામે આવ્યું છે. અહીંથી પોલીસને મોટી માત્રામાં મુદ્દામાલ મળ્યો છે, જેમાં ૩૪ નંબર પ્લેટ, જુદા જુદા ચેસીસ નંબર લખેલી ૩૩ લોખંડની પ્લેટો અને આશરે ૧૬ આર.સી. બુકનો સમાવેશ થાય છે. આ બધું ગેરરીતિઓ માટે ઉપયોગમાં લેવાતું હતું.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મૂળ વાહન માલિક પાસેથી આર.સી. બુક મેળવી લેતો હતો, જેથી ચોરીની કારને સહેલાઈથી કાયદેસર રૂપ આપી શકાય. આ રીતથી તૈયાર કરેલી ગાડીઓ બજારમાં વેચી દેવામાં આવતી હતી, જેને ઓળખવી સામાન્ય લોકો માટે મુશ્કેલ બની રહેતી.
પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આશરે ૧૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતી ચાર ઇક્કો કાર સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ મુખ્ય આરોપી વસીમ સિદ્દીકની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે.










































