પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ વાટાઘાટો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. અમેરિકાના ઉપરાષ્ટીયપતિ જેડી વાન્સના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન, શરીફે આશા વ્યક્ત કરી કે આનાથી પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિનો માર્ગ મોકળો થશે. અમેરિકાના પ્રતિનિધિમંડળમાં ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટીયપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ સામેલ હતા.
ઈસ્લામાબાદ પહોંચ્યા બાદ, નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડાર, આર્મી ચીફ ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર અને ગૃહ પ્રધાન સૈયદ મોહસીન રઝા નકવી દ્વારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં આવ્યું. શાહબાઝ શરીફે બંને પક્ષોની રચનાત્મક ભાગીદારીની પ્રશંસા કરી અને કહ્યું કે આ વાટાઘાટો પ્રદેશમાં કાયમી શાંતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. અગાઉ, ઈશાક ડારે પણ પ્રાદેશિક અને વૈશ્વક શાંતિ માટે અમેરિકાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધશે.
સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું. તાજેતરમાં જાહેર કરાયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામના ચાર દિવસ પછી આ વાટાઘાટો થઈ રહી છે. જાકે, લેબનોનમાં તાજેતરમાં ઇઝરાયલી હુમલાઓ બાદ આ યુદ્ધવિરામ નબળો પડી રહ્યો હોય તેવું લાગે છે, આ દરમિયાન, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ સહયોગના ભાગ રૂપે સાઉદી અરેબિયામાં પાકિસ્તાની લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કિંગ અબ્દુલઅઝીઝ એર બેઝ પર ફાઇટર અને સપોર્ટ એરક્રાફ્ટ પહોંચ્યા છે, જેના પર ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન અગાઉ ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે.








































