દિગ્ગજ એરલાઈન કંપની સ્પાઈસજેટ હાલમાં પોતાના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહી છે. કંપનીનું આર્થિક સંકટ એટલું ઘેરું બની ગયું છે કે તેણે પોતાના સેંકડો કર્મચારીઓ અને પાયલટોને માર્ચ મહિનાથી સેલરી જ નથી આપી. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલમાં દાવો કરાયો છે કે કંપનીના ઈન્ટરનલ મેસેજ પરથી જાણવા મળ્યું છે કે તે રોકડા નાણાંની ભારે તંગીનો સામનો કરી રહી છે. સ્પાઈસજેટ પોતાની ફ્લાઈટ્‌સ ચાલુ રાખવા માટે થતા રોજિંદા ખર્ચાઓ માટે પણ ફાંફા મારી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને પોતાને નાદાર (દિવાળિયું) થતી બચાવવા માટે સ્પાઈસજેટ હવે સરકાર સામે મદદની ગુહાર લગાવી રહી છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલી આ કંપનીએ સરકારી ગેરંટી વાળી સ્પેશિયલ ક્રેડિટ સ્કીમ હેઠળ ઈમરજન્સી લોન માટે અરજી કરી છે. આ સ્કીમ હેઠળ મળનારી લોનથી એરલાઈન પોતાની કામગીરી ફરી પાટા પર લાવી શકશે. માર્ચના આંકડા મુજબ સ્પાઈસજેટના પેરોલ પર કુલ ૩૭૫ પાયલટ હતા. બે પાયલટોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સેલરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. સમસ્યા કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૧૮૦થી વધુ સભ્યો ધરાવતા વોટ્‌સએપ ગ્રુપમાં (જેમાં બોઇંગ વિમાન ઉડાવતા પાયલટ અને એરલાઇનના સિનિયર અધિકારીઓ સામેલ છે) પાયલટોએ પોતાની લાચારી વ્યક્ત કરી છે.
ગ્રુપમાં એક પાયલટે લખ્યું કે, “રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવું એક મોટો પડકાર બની ગયું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે જરૂરી નાણાકીય જવાબદારીઓ અને ઈસૈપૂરા કરવા માટે અન્ય લોકો પાસેથી લોન કે મદદ માંગવી પડી રહી છે.” કર્મચારીઓમાં વધી રહેલા અસંતોષને જાતા સ્પાઈસજેટના ફ્લાઈટ ઓપરેશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિરેન્દ્ર મલ્હોત્રાએ ૨૬ મેના રોજ એક ઈન્ટરનલ મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે લખ્યું હતું કે, “હું એ વાતથી વાકેફ છું કે સેલરીમાં વિલંબ થવાને કારણે તમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો.”
તેમણે કર્મચારીઓને ધરપત આપતા કહ્યું કે આ સમય મુશ્કેલ છે, પરંતુ આ સ્થિતિ કામચલાઉ છે. ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનાની બાકી રહેલી સેલરી રિલીઝ કરી દેવામાં આવશે. બીજી તરફ, સ્પાઈસજેટે સત્તાવાર નિવેદન જાહેર કરીને સેલરીમાં વિલંબની વાત સ્વીકારી છે અને જણાવ્યું છે કે કર્મચારીઓની ચૂકવણી પાછલા કેટલાક મહિનાઓની જેમ તબક્કાવાર રીતે કરવામાં આવી રહી છે. મોટાભાગના કર્મચારીઓને માર્ચ મહિનાની સેલરી આપી દેવામાં આવી છે.
રોકડની તંગીમાંથી બહાર આવવા માટે સ્પાઈસજેટ હવે સંપૂર્ણપણે સરકારના ભરોસે છે. એરલાઈને જણાવ્યું કે તે સરકારની ‘ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ’ હેઠળ ફંડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ યોજના હેઠળ એરલાઈન્સને ૧,૫૦૦ કરોડ સુધીની સરકારી ગેરંટી વાળી લોન મળી શકે છે. એરલાઈને જણાવ્યું કે સ્થિતિને સામાન્ય કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કંપનીએ તેની કામગીરી અને કેશ ફ્લોમાં આવેલા ઘટાડા માટે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને જવાબદાર ગણાવ્યો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ – વિમાનનું બળતણ)ના ભાવ ખૂબ વધી ગયા છે. કેટલાક એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) પર પ્રતિબંધ હોવાને કારણે ફ્લાઈટનો ખર્ચ ઘણો વધી ગયો છે, જેના લીધે તેમની આર્થિક સ્થિતિ બગડી છે. એરલાઈનને આશા છે કે આગામી મહિનાઓમાં બિઝનેસ એક્ટિવિટી ફરી સામાન્ય થઈ જશે. વર્ષ ૨૦૧૯માં ૧૫% ડોમેસ્ટીક માર્કેટ શેર સાથે દેશની બીજી સૌથી મોટી એરલાઈન હતી. માર્કેટ શેર ઘટીને માત્ર ૩.૪% રહી ગયો છે અને તે દેશની ચોથી સૌથી મોટી એરલાઈન કંપની બની ગઈ છે.
આર્થિક સંકટની સીધી અસર કંપનીની ઉડ્ડયન સેવાઓ પર પડી છે. સ્પાઈસજેટ હાલના સમયે દરરોજ માત્ર ૨૧ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરી રહી છે. જાકે, એક દિવસ પહેલા કંપનીએ રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે, તેમણે બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનને ફરીથી સેવામાં સામેલ કર્યું છે. આ સિવાય ત્રણ એરબસ છ૩૨૦ વિમાનોને ક્રૂ મેમ્બર્સ સાથે લીઝ (ભાડા) પર લેવા માટે કરાર કર્યા છે, જે જુલાઈ સુધીમાં તેમના કાફલામાં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે શેરબજારમાં કંપનીના સ્ટોક્સમાં ૬૦% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.