મંગળવારના રોજ બપોરે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ દામનગર નજીક સુવાગઢ ગામના પાટીયા પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ મામલે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રેખાબેન જેશીંગભાઇ વાણીયાએ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ રેખાબેન તેમના બે પુત્રો પ્રતિત અને પ્રભાત સાથે બલેનો ગાડીમાં સુરતથી વિકળીયા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સુવાગઢ ચોકડી પાસે એક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન અત્યંત પુરપાટ ઝડપે અને નિષ્કાળજીપૂર્વક ચલાવી બલેનો કાર સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની બાજુમાં ખાળીયામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં રેખાબેનને ગંભીર અને મુંઢ ઇજાઓ પહોંચી છે, જ્યારે ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અંગે દામનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.