અમરેલી એલસીબીની ટીમે તારીખ ૨૨/૦૪/૨૬ના રોજ રાત્રિના ૦૧ઃ૩૦ કલાકે દરોડો પાડીને ક્રિકેટ સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સાવરકુંડલાના નુરાનીનગર વિસ્તારમાં રહેતા રૂસ્તમભાઇ ઉર્ફે બાવલો હબીબભાઇ કુરેશીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં ‘Swastik Live TV’ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈ.પી.એલ. મેચ પર હાર-જીતનો જુગાર રમાડતો હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મહુવાના જીતુભાઇ મગનલાલ મારૂ અને મહેશભાઇ જેન્તીલાલ મહેતા પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે જેઓ ફોન દ્વારા હાર-જીતનો રનફેરનો ભાવ મેળવી સટ્ટો રમતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૧,૨૩,૫૦૫નો મુદ્દામાલ જપ્ત કર્યો છ,ે જેમાં એક લાખની કિંમતનો સ્માર્ટફોન અને ૨૩,૫૦૦ની રોકડ રકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સટ્ટાના હિસાબવાળી કાપલી, બોલપેન અને મેચના ભાવ દર્શાવતા સ્ક્રીનશોટ પણ પુરાવા તરીકે કબજે કરવામાં આવ્યા છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









































