જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો અને પક્ષના સમર્થકો ઉમટી પડ્યા
બાબરા તાલુકાના કોટડાપીઠા વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની માટે ભાજપ દ્વારા જનસભા યોજાઇ હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો અને પક્ષના સમર્થકો ઉમટી પડ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ધારાસભ્ય જનક તળાવિયાએ સંબોધતા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસકાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માર્ગ વ્યવસ્થા, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. વિકાસના આ કાર્યને વધુ ગતિ આપવા માટે જનતાનો સહકાર ખૂબ જ જરૂરી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સંબોધનમાં લોકહિતના કાર્યો અને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે મતદારોને સજાગ બનીને યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો અને વિકાસને પ્રાથમિકતા આપનાર ઉમેદવારોને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય જનક તળાવિયાએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસના કાર્યને સતત આગળ વધારવા માટે સ્થિર અને પ્રતિબદ્ધ નેતૃત્વ જરૂરી છે, જે ભાજપ પક્ષ આપી શકે છે.











































