સુરતના પલસાણા તાલુકાના સલથાણ ગામે સર્જાયેલી ગેસ લીકેજની દુર્ઘટના અત્યંત કરુણ સાબિત થઈ છે. ગત ૧૭મી તારીખે બંધ ઘરમાં આખો દિવસ ગેસ લીક થયા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા ૬ લોકો પૈકી ૩ વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. મૃતકોમાં ઘર માલિક નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી યાદવ અને તેમના માસૂમ પુત્ર અનુજનો સમાવેશ થાય છે.ઘટનાની વિગત મુજબ, નીરજભાઈ સવારે ગેસ ચાલુ મૂકી નોકરીએ ગયા હતા. સાંજે પરત ફરતા પાડોશીએ દુર્ગંધની જાણ કરી હતી, પરંતુ સાવચેતી રાખવાને બદલે લાઈટની સ્વિચ પાડતા જ સ્પાર્ક થયો અને વિસ્ફોટ થયો હતો. ગીચ વસ્તી અને વેન્ટિલેશનના અભાવે આખું ઘર ‘ગેસ ચેમ્બર’ બની ગયું હતું. હાલ અન્ય ત્રણ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કડોદરા જીઆઈડીસી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.