ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા માનવતાના અભિગમ સાથે એક પ્રશંસનીય સેવા કાર્યક્રમ સંપન્ન થયો હતો. ચલાલા શહેરના ધારી રોડ અને ગોપાલગ્રામ રોડ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમીમાં રાહત આપવાના ઉમદા હેતુથી ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતાએ સ્વયં આ વિસ્તારોની મુલાકાત લઈને ગરીબ પરિવારોને પગરખાં અર્પણ કર્યા હતા. મહેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદોને પગના રક્ષણ સાથે પાયાની સુવિધા મળે તે જ મુખ્ય લક્ષ્ય છે અને ભવિષ્યમાં પણ આવી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રાખવામાં આવશે.










































