રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયતો તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારે ૭ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મહત્વપૂર્ણ મતદાન પ્રક્રિયામાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્ર દ્વારા ઈ.વી.એમ. નિદર્શન દ્વારા વ્યાપકપણે લોકજાગૃતિના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. લોકશાહીના પાયા સમાન આ ચૂંટણીમાં દરેક મતદાર અવશ્યપણે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેવો હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.