રાજુલા તાલુકાના નવા અગરિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે ઝડપી પાડ્યો છે. ગત ૧૫ તારીખે સીમ વિસ્તારમાં બે વ્યક્તિઓ પર હુમલો કરી ઈજા પહોંચાડનાર આ આક્રમક નર દીપડાને પકડવા માટે શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પાલિતાણાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજુલા રેન્જના આર.એફ.ઓ. મકવાણા અને તેમની ટીમે દીપડાની અવરજવર વાળા સંભવિત વિસ્તારોમાં સઘન સ્કેનિંગ હાથ ધરીને વ્યૂહાત્મક રીતે પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગની સતત મહેનત અને દેખરેખને પરિણામે અંદાજે ૯ થી ૧૨ વર્ષની વયનો એક કદાવર નર દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ સફળ રેસ્ક્યૂ ઓપરેશનમાં વન વિભાગના નિષ્ણાંત ટ્રેકર્સ અને સ્ટાફ સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપડો પકડાતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આ દીપડાને વધુ સારવાર અને સુરક્ષા માટે જૂનાગઢના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.









































