અમરેલી જિલ્લામાં કૌટુંબિક ઝઘડામાં પુત્રોએ પિતા પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીના આડા સંબંધોની શંકા રાખી પિતાએ આપેલા ઠપકાના કારણે પુત્રોએ પિતાને લોખંડના સળિયા અને લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે વિભુભાઈ હરજીભાઈ પરમાર (ઉ.વ. ૫૫)એ ગોપાલભાઈ વિભુભાઈ પરમાર તથા રાજુભાઈ વિભુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી પિતાને શંકા હતી કે તેમની પત્નીને તેમના જ નાના ભાઈ (દિયર) સાથે આડા સંબંધો છે. આ બાબતે તેઓ જ્યારે પત્નીને ઠપકો આપી રહ્યા હતા, ત્યારે તેમના બંને દીકરાઓ ત્યાં હાજર હતા. માતા-પિતા વચ્ચેની આ બોલાચાલીમાં બંને પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને પિતા પર તૂટી પડ્યા હતા. મોટા પુત્ર ગોપાલભાઈએ લોખંડના સળિયા વડે પિતાના ડાબા પગે અને કપાળના ભાગે ઘા ઝીંક્યા હતા, જ્યારે નાના પુત્ર રાજુભાઈએ લાકડી વડે જમણા પગે અને માથાના પાછળના ભાગે ફટકા માર્યા હતા. હાલ પોલીસ આ માલલે વધુ તપાસ ચલાવી રહી છે.










































