ધારી ગીર પૂર્વ વન વિભાગની સાવરકુંડલા રેન્જ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે હાથ ધરાયેલા એક વિશેષ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. મિતિયાળા રાઉન્ડના નાનુડી બીટ હેઠળ આવતા દેતડ ગામના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમે વહેલી સવારે શંકાસ્પદ ટુ-વ્હીલરને અટકાવી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી એક મૃત સસલું અને ત્રણ નંગ મેવટા મળી આવતા વનકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે વિજપડી ગામના વતની રમેશ નાનજીભાઈ પરમાર અને રમેશ શામજીભાઈ ગોઠડિયાની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી છે.ડી.સી.એફ. વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ ગુનો નોંધી આરોપીઓ પાસેથી રૂ. ૫૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે અને શિકારમાં ઉપયોગમાં લેવાયેલું વાહન જપ્ત કરવામાં આવ્યું છે. આર.એફ.ઓ. બી. ડી. ચાંદુ અને તેમની ટીમની આ કડક કાર્યવાહીએ શિકારી તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. વન વિભાગે આ સાથે જ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વન્યજીવોની સુરક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે.








































