વંથલી પંથકમાં ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની રહેમનજર હેઠળ ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી હવે લોહિયાળ બની રહી છે. આજે ૨૫ એપ્રિલના રોજ કણજડી ગામે પિયુષ નામના નિર્દોષ યુવાનને ઓવરલોડ ડમ્પરે કચડતા ગ્રામજનોનો વર્ષોથી દબાયેલો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. પૂરપાટ ઝડપે દોડતા આ યમદૂત સમાન ડમ્પરો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો સતત થઈ રહ્યા છે. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ગ્રામજનોએ કાયદો હાથમાં લઈ અકસ્માત સર્જનાર ડમ્પરને આગના હવાલે કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ડમ્પરોમાં તોડફોડ કરીને લોકોએ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લાલ આંખ કરી હતી. જો તંત્ર હજુ પણ નહીં જાગે તો આવી ઘટનાઓ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા જણાય છે.










































