સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાતાઓને રીઝવવા માટે ભાજપ-કોંગ્રેસ, આપ પાર્ટી અને અપક્ષો એડીચોટીનું જાર લગાવી રહ્યા છે, ત્યારે આજે વડગામના એપીએમસી નજીક ભાજપ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું. જ્યાં સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંચ પરથી સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પહેલા ગુજરાત વિરોધી તત્વોનો સફાયો કરવામાં આવ્યો છે અને ગુજરાતની જનતા હવે બધું સમજી ગઈ છે, કોંગ્રેસના શાસનમાં બનાસકાંઠાના લોકો સૌથી વધુ પીડાયા હતા, પાણી માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું. જ્યારે ભાજપ સરકારે રોડ, પાણી અને વીજળી જેવી સુવિધાઓ ઘેરઘેર પહોંચાડી છે. ખેડૂતોના ખાતામાં દર વર્ષે સહાય રૂપે ૬૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવે છે.
વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જા કોઈ ૧૦૦ રૂપિયા લઈને આવે તો લઈ લો. પરંતુ મત ભાજપને જ આપજા. હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક તત્વો રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે. ગરબા જેવી પરંપરાઓને શાંતિથી ઉજવવી હોય તો આવા તત્વોને દૂર કરવાના રહેશે.સભા દરમિયાન વડગામના રાજકારણને લઈને પણ આડકતરા પ્રહાર કરવામાં આવ્યા.
ખાસ કરીને જીગ્નેશ મેવાણી પર નિશાન સાધતા નિવેદન આપ્યું કે ગામના વિકાસમાં અવરોધ ઉભા કરનારા લોકોને હવે લોકો જવાબ આપશે. આ રીતે વડગામની સભામાં ભાજપે વિકાસના મુદ્દા સાથે જ વિરોધ પક્ષ પર તીખા પ્રહાર કર્યા હતા ત્યારે ચૂંટણી પહેલા બનાસકાંઠાનું રાજકારણ હવે વધુ ગરમાયું છે.










































