ગુજરાતમાં હવે ઉનાળો તેનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ અને અમરેલી જેવા શહેરોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આનો અર્થ એ છે કે અત્યારે પડી રહેલી ગરમી કરતા પણ વધુ આકરો તાપ લોકોને સહન કરવો પડશે.
અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે અને આજે શહેરમાં ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જાકે, આવતીકાલે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે અમદાવાદમાં પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ ગરમીના વધતા જાખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ માટે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું અમરેલી શહેર રાજ્યમાં સૌથી વધુ ગરમ નોંધાયું છે. અમરેલીમાં તાપમાનનો પારો ૪૩.૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ સિવાય ગાંધીનગરમાં ૪૧.૧ ડિગ્રી અને રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ૪૦ ડિગ્રીની ઉપર સ્થિર રહ્યો છે.
વધતી જતી ગરમી અને હીટવેવને જાતા આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સલાહ આપી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ સીધા તડકાથી બચવું જાઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને ઓઆરએસ કે લીંબુ શરબતનો ઉપયોગ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.