વર્ષ ૨૦૧૩ના ચકચારી રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કર્મચારીઓ સહિત કુલ સાત આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ એમ.પી. પુરોહિતે નોંધ્યું હતું કે, આ કેસમાં ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. મોટાભાગના પંચ સાક્ષીઓ અને સ્વતંત્ર સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હતા. સાક્ષીઓએ કોર્ટમાં આરોપીઓને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અથવા ઘટના અંગે જાણકારી હોવાનો નકાર કર્યો હતો. મેડિકલ પુરાવા અને એફએસએલના રિપોર્ટ પણ આરોપીઓની સંડોવણી સીધી રીતે સાબિત કરી શક્્યા નહોતા. આરોપીઓ વિરુદ્ધ હત્યા, ગેરકાયદે અટકાયત અને પુરાવાનો નાશ કરવા જેવા ગંભીર આરોપો સાબિત કરવા માટે પૂરતા અને સચોટ પુરાવા રેકોર્ડ પર આવ્યા નથી.
આ કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૧૩માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાયેલો મોબાઈલ ટ્રેસ કરતા તે આશાબેન રાજુભાઈ ઠાકરના નામે રજીસ્ટર હોવાનું બહાર આવ્યું હતું. આથી, આ ચોરીનો ગુનો અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલા રાજુ ઉર્ફે કાંતિ ઠાકરે કર્યો હોવાની શંકાના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ૮ મે ૨૦૧૩ના રોજ પોલીસને બાતમી મળી હતી કે રાજુ ઠાકર સારંગપુર બ્રિજ નીચે જુગાર રમી રહ્યો છે.પોલીસની ટુકડીએ તેને ત્યાંથી ઝડપી લીધો હતો અને પૂછપરછ માટે બાપુનગર પોલીસ સ્ટેશનની અજીતમીલ ચોકી ખાતે લઈ ગયા હતા. જ્યાં ચોરીની કબૂલાત કરાવવા માટે રાજુ ઠાકરને ગેરકાયદે અટકાયતમાં રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ગુનો છુપાવવા માટે પુરાવાનો નાશ કરવા માટે લાશ સાબરમતી નદીમાં નાંખી દીધી હતી. આ કેસમાં પીએસઆઇ બી.આર.પટેલ સહિત આઠ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. બીજી તરફ આરોપી અશોકભાઈ નટવરલાલ ભટ્ટનું કેસ દરમિયાન અવસાન થયું હતું. તેથી તેમના પુરતો કેસ અબેટ કરવામાં આવ્યો હતો.
આરોપીઓ તરફથી એડવોકેટ રોહિત વર્મા, અમિત નાયર, બ્રિજરાજસિંહ ઝાલા અને એમ આઇ લાલીવાલાએ દલીલ કરતાં જણાવ્યું કે આરોપીઓ સરકારી ફરજ બજાવી રહ્યા હતા અને સીપીસી કલમ ૧૯૭(૧) મુજબ જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના તેમની સામે કાર્યવાહી થઈ શકતી નથી. પ્રોસિક્યુશનના ૬૬ સાક્ષીઓમાંથી કોઈએ પણ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય અંગે સ્પષ્ટ જુબાની આપી નથી. તપાસ અધિકારીએ પણ સ્વીકાર્યું કે પીએસઆઇ બાબુભાઈ રણછોડભાઈ પટેલ, ભદ્રેશસિંહ અજીતસિંહ જાડેજા, જગદીશભાઈ છબાભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ દોલતસિંહ રાણા, મુકેશકુમાર મંગાભાઈ પટેલ, કાનજીભાઈ બદાજી વિહોલ અને ધીરજભાઈ જીવણભાઈ દેસાઈ વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળ્યા નથી. ઓળખ પરેડમાં જેમને ઓળખવામાં આવ્યા હતા, તે સાક્ષીઓ કોર્ટમાં જુબાની વખતે આરોપીઓને ઓળખી શક્યા નહોતા, જેથી પોલીસ સમક્ષની ઓળખ પરેડ કાનૂની રીતે વિશ્વસનીય ગણવી જાખમી બની.
કોર્ટના મત પ્રમાણે આ કેસ મુખ્યત્વે સાંયોગિક પુરાવા પર આધારિત રહી ગયો હતો અને આવા કિસ્સામાં ગુનો કરવાનો હેતુ (મોટિવ) સાબિત કરવો અનિવાર્ય છે. પ્રોસિક્યુશન એ હેતુ સાબિત કરવામાં તેમજ આરોપીઓની ભૂમિકા અંગે નિર્વિવાદ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું હતું. સાક્ષીઓના હોસ્ટાઈલ વલણ, ઓળખ પરેડની કાનૂની મર્યાદા, મેડિકલ અને  રિપોર્ટની અપૂરતા તેમજ પૂર્વ મંજૂરીના મુદ્દાને ધ્યાને લઈ કોર્ટએ આરોપીઓને શંકાનો લાભ આપ્યો. પરિણામે, વર્ષો જૂના આ કસ્ટોડિયલ ડેથ કેસમાં તમામ ૭ જીવતા પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે.