બાબરાની કોર્ટે ચેક રિટર્ન મામલે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવીને કાયદાનું પાલન ન કરનારાઓ માટે દાખલો બેસાડ્યો છે. આ કેસની વિગત મુજબ, ઘુઘરાળા ગામના વતની મનુભાઈ જીણાભાઈ ચિતલીયાએ અમરેલીના કાજલબેન બાલાભાઈને મિત્રતાના દાવે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે આપવામાં આવેલો ચેક બેંકમાંથી અપૂરતા બેલેન્સના કારણે પરત ફર્યો હતો. ફરિયાદીએ આ મામલે એડવોકેટ હિતેષ એમ. મીઠાપરા મારફતે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને તાર્કિક દલીલોને ધ્યાને રાખી ન્યાયાલયે આરોપી કાજલબેનને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવા સાથે ચેકની મૂળ રકમ કરતા બમણી રકમ એટલે કે કુલ અગિયાર લાખ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદો નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવવા માટે ખૂબ જ સૂચક માનવામાં આવે છે.










































