જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ કોડીનાર વિસ્તારમાં પ્રોહિબિશન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પોલીસ ટીમોએ મળેલી ચોક્કસ બાતમીના આધારે કોડીનારના દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્‌યા હતા. આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂ બનાવતા કાળુરામ મંગીલાલ રાઠોડ, લાખાભાઇ માવજીભાઇ મંદુરીયા, રણજીતભાઇ મનસુખભાઇ મંદુરીયા, અનીલભાઇ કાનાભાઇ મંદુરીયા અને જોમુબેન પીતાંબરભાઇ મંદુરીયા સહિત પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી ૬૬૫ લીટર દેશી દારૂ અને આથો સહિત કુલ રૂ.૨૯,૪૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.