અમરેલીમાં આવેલી કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ દ્વારા ૨૩ એપ્રિલના રોજ “વિશ્વ પુસ્તક દિવસ’’ નિમિત્તે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. દેશમુખની ઉપસ્થિતિમાં સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મદદનીશ પ્રાધ્યાપક ડો. કે.વી. ચૌધરીએ પુસ્તકોનું માનવ જીવનમાં મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પુસ્તકો જ્ઞાન, દર્શન અને પ્રેરણાના અખૂટ સ્ત્રોત છે. કાર્યક્રમમાં ભારતના બંધારણની વિશેષતાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને તેને લોકશાહીનો સર્વોચ્ચ કાનૂની દસ્તાવેજ ગણાવ્યો હતો. આ નિમિત્તે કોલેજ લાઈબ્રેરી દ્વારા પુસ્તક પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના પુસ્તકો નિહાળવાની તક મળી હતી. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય અને તેઓ પુસ્તકોને પોતાના સાચા મિત્ર બનાવે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંતમાં તમામ સહભાગીઓએ વાંચનનો સંકલ્પ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.