અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારાર્થે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક અને જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા અને જિલ્લા પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓએ પ્રસિદ્ધ દાનમહારાજની જગ્યાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં લઘુ મહંત મહાવીરબાપુ ભગત દ્વારા તમામનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી રણનીતિ અને પ્રચંડ જનસમર્થન માટે આ બેઠકમાં ધારગણી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મહાવીરબાપુ ભગતની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીની જીત માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો અને સદસ્યોએ આ બેઠકમાં હાજરી આપી કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો.