લીલીયા તાલુકાના સનાળિયા ગામે બાઈકના હપ્તા ભરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે એક ગંભીર હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. આ કિસ્સામાં ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈ ઢીમેચાનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને લીલિયા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મુખ્ય છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી તેજ બનાવી છે.આ હિંસક ઘટના પાછળનું મુખ્ય કારણ આર્થિક લેણદેણ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ,
મૃતક મહેન્દ્રભાઈએ આરોપી અજયભાઈ મકવાણા પાસેથી ફાઈનાન્સ સુવિધા હેઠળ એક મોટરસાયકલ ખરીદ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી બાઈકના હપ્તાની ચુકવણી બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મનદુઃખ ચાલતું હતું. આ જ અદાવત રાખીને આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી મહેન્દ્રભાઈ અને યુવરાજભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કુહાડી જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં મહેન્દ્રભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને પ્રથમ સ્થાનિક અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સનાળિયા ગામે દોડી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને અત્યાર સુધીમાં ૬ શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તપાસના ભાગરૂપે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ પૂર્ણ કર્યું છે.
આર્થિક બાબતમાં એક માનવ જિંદગી હોમાઈ જતાં ગામમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.