ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ૯૫ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ક્્યાંક ખુશી તો ક્્યાંક સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. વહેલી સવારે માત્ર ૨ ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ સુરતનો ઉધના વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. સુરતના અલગ-અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત પ્રસિદ્ધ દક્ષેશ્વર મંદિર નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી સવારના સમયે નોકરી-ધંધે જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
સુરતની સાથોસાથ નવસારી શહેરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. નવસારીના સ્ટેશન રોડ, ધાનેરા પોઈન્ટ, તીઘરા અને જકાતનાકા સહિતના મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત વરસેલા આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૫ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. જેમાં તાપીના વાલોડમાં અને વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૨.૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, રાજ્યના ૧૬ જેટલા તાલુકાઓ એવા છે જ્યાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના ચીખલીમાં ૨૦ મિમી, સુરત શહેરમાં ૧૮ મિમી, જલાલપોર અને પારડીમાં ૧૪-૧૪ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અંબિકા, નવસારી તાલુકામાં ૧૩ મિમી અને પલસાણામાં ૧૦ મિમી વરસાદ પડ્યો છે. આ સિવાય ખેડાના ફાગવેલમાં ૯ મિમી અને વલસાડમાં ૮ મિમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ઉપલેટાના ભાદર ચોક, શાકમાર્કેટ અને પોરબંદર રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જા કે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વેપારીઓ અને ગ્રાહકોને થોડી મુશ્કેલી પડી હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર-નગર હવેલીમાં ૧૫ મિમી/કલાકથી વધુની ઝડપે ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના છે, સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ૫ થી ૧૫ મિમી/કલાકની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, બોટાદ, રાજકોટ અને જૂનાગઢમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.