અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા એક અન્નક્ષેત્રમાં જમવા ગયેલા યુવક પર સંચાલકો અને અન્ય શખ્સોએ પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા હાલ તે સારવાર હેઠળ છે. આ અંગે ગોપાલગ્રામના મહેશભાઇ પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.વ. ૨૪)એ ભરતભાઇ આચાર્ય, કાળુભાઇ, હીરાભાઇ ખુમાણ, ચતુરભાઇ દાફડા તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી યુવક બપોરના સમયે સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા અન્નક્ષેત્રમાં જમવા માટે ગયો હતો. જમતી વખતે તેને અચાનક ઉબકા (ઉલ્ટી જેવું) આવતા તેણે થાળીમાં થોડા દાળ-ભાત બાકી રાખ્યા હતા. યુવક જ્યારે થાળી મૂકવા ગયો ત્યારે અન્નક્ષેત્રના સંચાલક ભરતભાઈ આચાર્યએ તેને અટકાવ્યો હતો અને પરાણે જમી લેવા અથવા દંડ ભરવા દબાણ કર્યું હતું. યુવકે દંડ પેટે રૂ. ૫૦ આપવા માટે ૫૦૦ની નોટ કાઢી હતી. આ દરમિયાન આરોપી સંચાલકે યુવકની જ્ઞાતિ પૂછી હતી. યુવકે પોતાની જ્ઞાતિ જણાવતા જ સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય શખ્સોને બોલાવી લીધા હતા. આ તમામ શખ્સોએ એકસંપ થઈ યુવકને પ્લાસ્ટિકની પાઈપ વડે બેરહેમ માર માર્યો હતો. કુલ ૭ શખ્સોએ મળીને યુવકને માથામાં, જમણા હાથના અંગૂઠા પાસે અને ડાબા હાથમાં પાઈપના ફટકા માર્યા હતા. આ હુમલામાં યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી. હાલ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































