અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયાની એક સામાન્ય અદાવતે ફરી એક વાર યુવાનોના જીવનનો ભોગ લીધો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને લઈને થયેલા વિવાદમાં ૧૯ વર્ષીય યુવક મોહમ્મદ સાલીક ઇમ્તિયાઝ શેખની તીક્ષ્ણ હથિયારથી નિર્મમ હત્યા કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, ગત રાત્રે આઈશા મસ્જિદ પાસે આ ઘટના બની હતી.
મૃતક મોહમ્મદ સાલીક અને આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણ વચ્ચે પવિત્ર રમઝાન માસ દરમિયાન કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના સંદર્ભમાં મોહમ્મદ સાલીકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેને આરોપીએ પોતાની પ્રતિષ્ઠા પર ઘા સમાન માની લીધી હતી. આ જ અદાવતને કારણે આરોપીએ યુવકને વાતચીતના બહાને આંતરીને છરીના બેફામ ઘા કરી દીધા હતા. યુવક લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં.ડીસીપી ઝોન-૭ શિવમ વર્મા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ આગળ વધી રહી છે.